<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આમાં કેમ ભણશે ગુજરાત? મુન્દ્રાથી ભુજ જતા વિદ્યાર્થીઓ પૂરતી એસટી બસ ન હોવાને કારણે પરેશાન

શાળાઓમાં એક બાજુ ડ્રોપ આઉટ રેશિયો બીજી બાજુ છાત્રોને ભણવું છે પણ બસની સુવિધા નથી : NSUI એ રજૂઆત કરી આંદોલનની આપી ચીમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :  મુન્દ્રાથી કેરા અને ભુજ ઉચ્ચ અભ્યાસ માટે જતા છાત્રોને અપડાઉન માટે રોજે રોજ થતી મુશ્કેલીના મુદ્દે NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરી આંદોલનની ચીમકી અપાઈ છે. કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મુન્દ્રાથી ભુજ અભ્યાસ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ સવારના ભાગમાં અપડાઉન કરતા હોય છે પરંતુ પુરતી બસ ન હોવાને કારણે તેઓને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડે છે એક બસમાં 70 થી 80 જણા જેટલા વિદ્યાર્થીઓ ને ઉભા ઉભા જવું પડે છે. બસની અંદર ઊભા રહેવાની પણ જગ્યા નથી રહેતી. મોટા કપાયા, પ્રગપર ચોકડી, બરાયા,‌ કારાઘોઘા, બોચા વગેરે ગામોથી લગભગ 150 થી 160 જેટલા વિદ્યાર્થીઓ દરરોજ કેરા અને ભુજ અભ્યાસ માટે અપડાઉન કરતા હોય છે બસ ન હોવાને કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને મુસાફરી માટે સવારના 6:30 કલાકે બસ ચાલુ કરવામાં આવે. 

તેવી જ પરિસ્થિતિ ભુજ થી મુન્દ્રા આવવા માટે બપોરના સર્જાય છે તેથી બપોરના 12:30 કલાકે ભુજથી બસ શરૂ કરવામાં આવે 

ઘણીવાર કચ્છ યુનિવર્સિટી ખાતે  વિદ્યાર્થી હોવા છતાં બસ ઊભી રાખવામાં નથી આવતી તેથી તમામ બસો કચ્છ યુનિવર્સિટી ખાતે  ઉભી રહે તેવું સૂચન કરવામાં આવે‌ . સો જેટલા વિદ્યાર્થીઓની સહી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ત્રણ દિવસની અંદર જો વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરવામાં નહીં આવે તો NSUI દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સમગ્ર જવાબદારી આપની રહેશે એવી ચીમકી પણ અપાઈ છે. 

આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા NSUI ના‌ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ નિખિલ જુવડ સહિતના વિદ્યાર્થીઓ હાજર રહ્યા. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(9:07 AM IST)