<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

જામનગરના સડોદર ગામમાંથી ડિગ્રી વગરનો નકલી ડોક્ટર ઝડપાયો : SOG પોલીસે ₹૫,૩૧૬ નો મુદ્દામાલ જપ્ત કર્યો

'ડો. એસ.એસ. અગ્રાવત'ના નામે દવાખાનું ચલાવી દર્દીઓને તપાસી, દવાઓ અને ઇન્જેક્શન આપતો સંજયકુમાર ટીલાવત રંગેહાથ પકડાયો : NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૨૩ જુલાઈ, ૨૦૨૫ : જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG પોલીસે સડોદર ગામમાંથી મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
ખાનગી બાતમીના આધારે રેડ, નકલી ડોક્ટરની ધરપકડ
એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. ચૌધરી અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ, SOG સ્ટાફના દિનેશભાઈ સાગઠીયા અને નવલભાઈ આસાણીને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, સડોદર ગામમાં ગ્રામપંચાયતવાળી શેરીમાં, કિસ્મત પ્રોવિઝન સ્ટોર બાજુમાં સંજયકુમાર દીનેશભાઈ ટીલાવત નામનો ઈસમ 'ડો. એસ.એસ. અગ્રાવત'ના નામે દવાખાનું ખોલી રહ્યો હતો. મેડિકલ ડોક્ટરને લગતી કોઈ ડિગ્રી ન ધરાવતા હોવા છતાં, તે દર્દીઓને તપાસીને અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને બાટલા ચડાવી પૈસા વસૂલતો હતો.
આ હકીકતના આધારે, પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. રેડ દરમિયાન, સંજયકુમાર ટીલાવતના કબજામાંથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ ₹૫,૩૧૬/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી
આરોપી સંજયકુમાર દીનેશભાઈ ટીલાવત (હાલ રહે. સડોદર ગામ, તા. જામજોધપુર, જિ. જામનગર; મૂળ રહે. નાનાસગારીયા ગામ, તા. પડધરી, જિ. રાજકોટ) વિરુદ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.ન. ૧૧૨૦૨૦૧૩૨૫૦૨૨૦/૨૦૨૫ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ સાગઠીયાએ આ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. ચૌધરી, પો.સ.ઈ. એસ.પી. ગોહિલ અને એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

(10:56 AM IST)