News of Wednesday, 23rd July 2025
જામનગર કલેક્ટર કેતન ઠક્કરે જાયવા ગ્રામ પંચાયત અને શાળાની આકસ્મિક મુલાકાત લીધી : રેકર્ડ ચકાસ્યા, બાળકો સાથે સંવાદ કર્યો અને મધ્યાહન ભોજનની ગુણવત્તા તપાસી
ધ્રોલ તાલુકાના જાયવા ગામે સરકારી યોજનાઓના લાભ, વેરા વસૂલાત અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો : પ્રાથમિક શાળાના સુચારુ સંચાલનને બિરદાવ્યું

જામનગર : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે ધ્રોલ તાલુકાના જાયવા ગામે ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લઈ ગામના વહીવટ અને શૈક્ષણિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે રેકર્ડ ચકાસણી કરી, અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા, અને ગામના લોકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.
ગ્રામ પંચાયતમાં રેકર્ડ ચકાસણી અને સૂચનો
કલેક્ટર કેતન ઠક્કરે જાયવા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ત્યાંના રેકર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને વેરા વસૂલાત, ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દૂર કરવા અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા માટે વિગતવાર સૂચનો આપ્યા હતા. સરપંચ અને અધિકારીઓને ગ્રામજનોના હિતમાં પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ ચલાવવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રાથમિક શાળાની મુલાકાત, બાળકો સાથે સંવાદ અને ભોજન ચકાસણી
કલેક્ટર ઠક્કરે જાયવા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ક્લાસરૂમની સંખ્યા તેમજ ફાયર સેફટી અંગેની માહિતી મેળવી હતી. શાળાના સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના શિક્ષણ અંગે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા.
ત્યારબાદ, કલેક્ટરે મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા જાતે ચકાસી હતી. આ ઉપરાંત, તેમણે શિક્ષકોને શાળાના પટાંગણમાં વૃક્ષોનું વાવેતર કરવા અને વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનિંગ શીખવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. જાયવા પ્રાથમિક શાળામાં જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા અને શાળાનું સંચાલન સારી રીતે થઈ રહ્યું હોવાથી, કલેક્ટરે આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષકો તથા અગ્રણીઓની કામગીરીને બિરદાવી હતી.
કલેક્ટર ઠક્કરે બાદમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની પણ મુલાકાત લઈ બેંકની કામગીરી વિશે માહિતી મેળવી અને ત્યાં ઉપસ્થિત ગ્રાહકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો જાણ્યા હતા. આ મુલાકાત દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, ધ્રોલ મામલતદાર વી.એન. પરમાર, અન્ય અધિકારીઓ અને સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
