<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

જૂનાગઢના વંથલીના સોનારડી ગામમાં ખનીજ ચોરી ઝડપાઇ :બે ટ્રક અને હિટાચી મશીન જપ્ત

વંથલી SDM એ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનારડી ગામમાં દોરડો પાડ્યો

જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને લઈને ઊઠેલી ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી સોનારડી ગામમાં ખનીજચોરીના દોરડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

જુનાગઢ જિલ્લામાં માંગરોળ ચોરવાડ સહિતના અનેક જગ્યાએ બેફામ થતી ખનીજ ચોરીની ફરિયાદ તાજેતરમાં જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી અને જેને લઈને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા માટે લોકો દ્વારા પણ ખાણ ખનીજ અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે મોડી સાંજે વંથલી તાલુકાના સોનારડી ગામમાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા જાગૃત નાગરિક દ્વારા SDMને જાણ કરવામાં આવી હતી અને વંથલી SDM એ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનારડી ગામમાં દોરડો પાડ્યો હતો. જેમાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. 

ખનીજ ચોરીનું એક વ્યાપક નેટવર્ક જુનાગઢ જિલ્લામાં ચાલી રહ્યું છે અને તેના વ્હોટ્સએપ ગ્રુપ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે અધિકારીઓ ખાણ ખનીજ ઓફિસેથી નીકળે કે તરત જ વ્હોટ્સ એપ ગ્રુપમાં મેસેજ આવી જાય છે અને સ્થળ ઉપર તમામ વસ્તુઓનો નિકાલ થઈ જાય છે અને અધિકારીઓ માત્ર ચેકિંગ કરવાના નાટક રમે છે. તાજેતરમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લખેલા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને જુનાગઢ જિલ્લામાં ચાલતી બેફામ થતી ચોરીને અટકાવવા માટે રજૂઆત કરી હતી.

સોનારડી ગામમાં દોરડો પાડીને વંથલી SDM દ્વારા બે ટ્રક અને હિટાચી મશીન ઝડપી લેવામાં આવ્યું છે અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. 

(7:00 PM IST)