<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આપના કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું

બિસ્માર રોડને લઈ થાળી વગાડીને ઉગ્ર વિરોધઃ બિસ્માર રોડને લઈને ભાવનગર મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું

ભાવનગર,તા.૨૩

ભાવનગર શહેરના બિસ્માર રોડને લઈને ભાવનગર મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આપના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈને બિસ્માર રોડની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા કચેરીમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેને લઈ મામલો ગરમાયો હતો. આપના કાર્યકરોને કચેરીમાં પ્રવેશ ન મળતા તેમણે સુત્રોચ્ચાર કરીને હોબાળો મચાવી મનપાની કચેરી બહાર થાળી વગાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા તંત્ર દ્વારા નિલમબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે મનપા કચેરી પહોંચીને આપના કાર્યકરોને રોકવાના પ્રયાસ કર્યા હતા. જેમા આપના કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પરિણામે નિલમબાગ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. શહેરના ખરાબ રસ્તાઓના કારણે ઘણાં સમયથી સ્થાનિકોમાં રોષ જોવા મળતો હતો. જેને કારણે આપ દ્વારા ભાવનગર મનપા સમક્ષ આ મુદ્દાને રજૂ કરવા જતાં મામલો બિચક્યો હતો.આપના કાર્યકરો દ્વારા તરસમિયા વિસ્તારના ખરાબ રોડ-રસ્તાને લઈ ભાવનગરના મનપા કમિશનર અને મેયર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેમનો વિરોધ ઉગ્ર બને છે ત્યારે મનપાના કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. હવે જોવું રહ્યું કે મનપા આ વિરોધ બાદ ક્યારે જાગશે અને રોડ-રસ્તાઓનું સમારકામ ક્યારે શરૃ થશે? આ બિસ્માર રોડ-રસ્તાને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

(10:01 PM IST)