તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
બ્લેક મેઇલ કરી મિત્ર પાસેથી ૩૨ લાખ પડાવી લેવાના ભુજના ચકચારી કિસ્સામાં બે મિત્રોની ધરપકડ
આરોપી જ મિત્રની માતાને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા લઈ ગયો : કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : એરફોર્સ કોન્ટ્રાક્ટરના વિધવા પત્ની ટ્વિન્કલસિંઘ રાજપૂતે પોતાના પુત્રને બ્લેકમેઇલ કરી ફરવા મોકલી અને ૩૨ લાખ રૂપિયાની માલમત્તા પડાવી લેવાના કેસમાં ભુજ એ ડિવિઝન પોલીસે રાહુલ ભગવાનજી સોલંકી (સિધ્ધાર્થ નગર, ભુજ) અને રાહુલ ઉર્ફે રવિ મોહનભાઇ મહેશ્વરી (માનકુવા ગામ, તા.ભુજ) ની ધરપકડ કરી છે. બંનેના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરિયાદી ટ્વિન્કલબેનની પોલીસ ફરિયાદ અનુસાર પોતે વતન લખનૌ ગયા હતા ત્યારે બંને આરોપીઓએ તેમના ૧૯ વર્ષીય પુત્ર ઈશાનસિંઘને દારૂ અને સિગારેટ પીવડાવી તેનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રોકડ અને દાગીના સહિત ૩૨.૩૦ લાખની બળજબરી ચોરી ઘરમાંથી કરાવડાવી હતી. ત્યારબાદ ઈશનસિંઘ અને તેના બીજા મિત્રને બળજબરીપૂર્વક બહારગામ ફરવા મોકલી તેમના મોબાઈલ પડાવી નવા મોબાઈલ અપાવી ઘરના કોઈની સાથે પણ વાત ન કરવા ધમકી આપી હતી. જોકે, ફરિયાદીના પુત્રએ બહારગામ અભ્યાસ કરતી બહેનને ફોન કરતા ભાઈના નવા મોબાઈલ નંબર અને માતાની ગેરહાજરીમાં બહાર વિમાનમાં ગોવા ફરવા જવાની વાત સાંભળી લખનૌ માતાને ફોન કર્યો હતો. એટલે ટ્વિન્કલબેન તુરત જ લખનૌથી દિલ્હી થઈ પ્લેનમાં ભુજ પહોંચ્યા હતા. ત્યારે આરોપી રાહુલ સોલંકી જ તેમને એરપોર્ટ લેવા આવ્યો હતો અને ચોરીની ફરિયાદ બાબતે પોલીસ સ્ટેશન પણ સાથે આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે આઇફોન ઉપરાંત રોકડ અને દાગીના સહિત ૧૮ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે, આ કિસ્સામાં પોલીસે સતર્કતા દાખવી અમદાવાદ પોલીસ સાથે સંકલન સાધી ઘેરથી ચોરીના રૂપિયા લઈ મોજમજા માટે જઈ રહેલા યુવાન અને તેના મિત્રને અટકાવી સમગ્ર બનાવની ઝડપભેર તપાસ કરી વિધવા મહિલાને ન્યાય અપાવવા માનવીય અભિગમ દાખવ્યો હતો.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
