તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ધોરાજી પાલિકાની આગામી સભા માટે વિપક્ષે બંદોબસ્ત માંગ્યો
શાસક અને વિપક્ષ વચ્ચે ગરમા ગરમી રહે તેવી સંભાવનાઃ પત્રકારો અને પ્રજાજનોને ઉપસ્થિત રાખવા વિપક્ષ નેતાની માંગ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૪: નગરપાલિકામાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જ્યારે વિપક્ષમાં કોંગ્રેસ રહેલી છે ત્યારે આગામી સાધારણ સભા સોમવારના રોજ યોજનાર છે ત્યારે જનરલ બોર્ડ ગરમા ગરમી વાળું બની રહે તેવી સંભાવના જોવાઈ રહી છે.
ખાસ કરીને કોંગ્રેસના વિપક્ષના પાલિકાના વિરોધ પક્ષના નેતા ડી.એલ ભાષાએ પોલીસ બંદોબસ્ત રાખવા માટે લેખિતમાં અરજી કરેલ હોય તેમજ સાધારણ સભામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે પત્રકારો તેમજ શહેરના સામાન્ય નાગરિકોને પણ હાજર રખાય તે પ્રકારની લેખિત અરજી ઓફિસરને કરવામાં આવી છે. સભામાં કુલ ૩૨ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં મુખ્યત્વે પ્રમુખશ્રીના હુકમની બહાલી આપવા તેમજ ચીજ વસ્તુઓની ખરીદીઓમાં વાહન શાખા ઇલેક્ટ્રીક શાખા સહિતના જુદા જુદા વિભાગોમાં કરાયેલ ખર્ચ અને હુકમો અને બહાલી આપવા તેમજ નગરપાલિકા માટે ઇનોવા કાર ભાડે રાખવા માટેથી લઈને મોટાભાગે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ખર્ચની રકમ મંજૂર કરવા બાબતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પ્રાંત અધિકારીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રમુખશ્રી દ્વારા અને જનરલ બોર્ડમાં થતા ઠરાવો જે તે સમયે મિનિટ બુકમાં લખવાના હોય છે એના બદલે પાછળથી મિનિટ બુક લખવામાં આવતી હોવાથી તેમાં ફેરફારો થવાની પૂરી શકયતા હોય આથી પ્રાંત ઓફિસમાંથી કોઈ નોડલ ઓફિસર નિમણૂક કરી તેમની હાજરીમાં ઠરાવોની મિનિટ બુકમાં નોંધ થાય તે માટે નોડલ ઓફિસર ફાળવવા માંગ કરી હતી.
સાથોસાથ જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ વિભાગને લખાયેલ પત્રમાં વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવી હતી કે જનરલ બોર્ડની અંદર શાસક પક્ષ દ્વારા માહોલ ડહોળવામાં આવે તેવી સંભાવનાઓ જોઈને મહિલા તેમજ પુરુષ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવા માટે પણ અરજી આપવામાં આવી હતી.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
