<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

રીબડામાં અનિરૂધ્‍ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરીંગ

બાઇક ઉપર આવેલા બે બુકાનીધારીઓએ ફાયરીંગ કરી નાસી છુટયા : પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાએ ફાયરીંગ કરાવ્‍યુ હોવાની શંકા પોલીસ ફરીયાદમાં કરાઇ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : ફાયરીંગ કર્યાની જવાબદારી સ્‍વીકારનાર હાર્દિકસિંહ જાડેજા મુળ અડવાણ ગામનો અને તેનો ઉછેર બેટાવડ ગામે થયાનું અને હાલ રાજકોટ રહેતા હોવાનું પોલીસે જણાવ્‍યું છે. હાર્દિકસિંહ જાડેજા સુરતની કરોડોની લૂંટના ગુન્‍હામાં ફરાર છે : રાજકોટના માલવિયાનગર પોલીસ મથકના મર્ડરના ગુન્‍હામાં પેરોલ ઉપરથી છૂટી ફરાર છે : ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહની શોધખોળ હાથ ધરી છે

તસ્‍વીરમાં ફાયરીંગ કરાયું હતું તે પેટ્રોલ પંપ અને ઓફિસ નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર૪:  ગત રાત્રીનાં રિબડાનાં પાદર માં આવેલા અનિરુદ્ધસિંહનાં ભત્રિજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાનાં પેટ્રોલ પંપ ઉપર બાઇક પર આવેલા બે અજાણ્‍યા શખ્‍સોએ ફાયરીંગ કર્યુ હતુ.ઓફીસનો કાચ તોડી ગોળી ઓફીસમાં મંદિરનાં ખુણા પર લાગી.અલબત્ત જાનહાની નથી.ઓફીસ માં કામ કરતા જાવેદભાઇ ખોખર નું પોલીસે નિવેદન નોંધ્‍યુ જેમા ફાયરીંગ જયરાજસિહે કરાવ્‍યાંનુ જણાવ્‍યુ હતુ.બનાવ ને પગલે ગોંડલ પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

 બનાવ અંગે જાવેદભાઇ રહીમભાઈ ખોખર/સંધી ઉ.વ.૩૮ ધંધો-પ્રાઇવેટ નોકરી રહે.કોઠારીયા સોલવંત રાજકોટ.

રૂબરૂમાં આવી  પોલીસમાં ફરીયાદએ કરેલ કે, હુ ઉપર બતાવેલ સરનામે મારા પરીવાર સાથે રહુ છુ અને રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે દોઢેક વર્ષથી ફીલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરી મારૂ તથા મારા પરીવારનું ગુજરાન ચલાવુ છુ. અને મે ધોરણ ૭ સુધી અભ્‍યાસ કરેલ છે.

ગઇ કાલ તા-૨૩/૦૭/૨૦૨૫ ના રાત્રીના આઠ વાગ્‍યે હુ રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે નોકરી પર આવેલ હતો. અને પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના મેનેજર જગદીશસિંહ ચંદુભા ગોહિલ રહે રાજકોટ મવડી ચોકડી વાળા પણ હાજર હતા. અને કોઇ વાહન પેટ્રોલ કે ડિઝલ પુરાવવા આવે ત્‍યારે અમે પેટ્રોલ પુરતા હોઇએ છીએ અને મોડી રાત્રીના વાહનો ઓછા આવતા હોય જેથી પેટ્રોલ પંપની ઓફીસ આવેલ હોય તેમાં બેસતા હોઇએ છીએ અને જ્‍યારે કોઇ વાહન આવે ત્‍યારે પેટ્રોલ પુરીને પાછા ઓફીસમા જતા રહીએ છીએ. અને મોડી રાત્રીના હુ ઓફીસમા બાકડા ઉપર સુતેલ હતો અને મારા મોબાઇલમાં ગેમ રમતો હતો અને જગદીશસિંહ બાજુમા આરામ કરવા જતા રહેલ હતા અને હુ ગેમ રમતો હતો તે દરમ્‍યાન આજે તા-૨૪/૦૭/૨૦૨૫ ની શરૂ રાત્રીના એકાદ વાગ્‍યાની આસપાસ અચાનક ઓફીસના કાચ ઉપર ફાયરીંગ થયેલ જેથી કાચ તુટી ગોળી અંદર આવેલ અને ઓફીસમા રહેલ મંદિરના ખુણા ઉપર લાગતા મંદિરનો લાકડાનો ટુકડો તુટી નીચે પડી ગયેલ જેથી હુ તરતજ ઉભો થઈને ઓફીસના દરવાજે આવી જોયુ તો એક મોટર સાયકલ ઉપર બે અજાણ્‍યા માણસો હોય જે બજન્ને માણસોએ પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધેલ હતા. અને મને જોઇ જતા મારી સામે બંદુક ટાંકેલ જેથી હુ ગભરાઇ ગયેલ અને ઓફીસની અંદર દોડીને જતો રહેલ અને આ ફાયરીંગનો અવાજ સાંભળીને મેનેજર જગદીશસિંહ ઓફીસના અંદરના રૂમમાંથી બહાર આવેલ અને મને પુછેલ કે શુ થયુ? જેથી મે કહેલ કે ફાયરીંગ થયુ છે તેવામા આ બન્ને અજાણ્‍યા માણસો પોતાનુ મોટર સાયકલ લઇને જતા રહેલ અને આ મોટર સાયકલ કઇ કંપનીનું હોઇ તે મને ખબર નથી અને તેના નંબર મે જોયેલ નથી. અને આ બન્ને અજાણ્‍યા માણસોની ઉમર આશરે ૨૫-૩૦ વર્ષની અને મધ્‍યમ બાંધાના જણાતા હતા. ત્‍યાર બાદ મેનેજર જગદીશસિંહએ પેટ્રોલ પંપના માલીક જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા તથા રીબડા ગામના સત્‍યજીતસિંહ જાડેજા ને ફોન કરી બનાવની વાત કરતા જયદીપસિંહ અને સત્‍યજીતસિંહ એમ બન્ને પેટ્રોલ પંપ ખાતે આવેલા અને ઓફીસે આવી જોયેલ તો ઓફીસના કાચમા ફાયરીંગ થવાથી એક હોલ પડી ગયેલ અને ઓફીસમાં આવેલ રૂમના દરવાજા પાસે ગોળી પડેલ અને ઓફીસના બહારના ભાગે કાર્ટીસનુ એક ખાલી ખોખુ પડેલ જોવામા આવેલ ત્‍યારબાદ હુ તથા પેટ્રોલ પંપના મેનેજર જગદીશસિંહ તથા પેટ્રોલ પંપના માલીક જયદીપસિંહ તથા સત્‍યજીતસિંહ જાડેજા એમ બધા મળી અમો પોલીસ સ્‍ટેશન ખાતે ફરીયાદ કરવા આવેલ છીએ. આ બનાવમાં મને કોઇ ઇજા થયેલ નથી.

 આ બનાવનું કારણ એવુ છે કે, અમે ઓફીસમા હાજર હોય તે દરમ્‍યાન કોઇ અજાણ્‍યા બે બુકાની ધારી મોરટ સાયકલ પર આવી મારી નાખવાના ઇરાદે ઓફીસ બહારથી અમારી ઉપર એક રાઉન્‍ડ ફાયરીંગ કરી મોટર સાયકલ લઈ જતા રહેલ હોય આ અજાણ્‍યા માણસો પાસે જયરાજસિંહ ટેમુ જાડેજા ગોંડલવાળાએ ફાયરીંગ કરાવ્‍યુ હોય તેવી મને શંકા છે તો આ અજાણ્‍યા માણસો તથા તપાસમા ખુલ્લે તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.

બનાવ અંગે તાલુક પોલીસે તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.

દરમિયાન પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ ફાયરીંગ કર્યાની જવાબદારી સ્‍વીકારનાર હાર્દિકસિંહ જાડેજા મુળ અડવાણ ગામના અને તેનો ઉછેર બેટાવળ ગામે થયાનું અને હાલ રાજકોટ રહેતા હોવાનું પોલીસે જણાવ્‍યું છે. હાર્દિકસિંહ જાડેજા સુરતની લૂંટના ગુન્‍હામાં ફરાર છે : રાજકોટના માલવિયાનગર પોલીસ મથકના મર્ડરના ગુન્‍હામાં પેરોલ ઉપરથી છૂટી ફરાર છે : ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહની શોધખોળ હાથ ધરી છે

 

(2:55 PM IST)