<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

"છોટી કાશી"માં પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ અનેક શિવાલયોએ સજ્યા શણગાર

પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર પરિસરને ઝળહળતી રોશની થી સુસજ્જ બનાવાયા :કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર પણ રંગબેરંગી અને ઝળહળતી રોશની થી દૈદીપ્યમાન બન્યા

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫ :  'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત એવી દેવાલયોની નગરી નવાનગર- જામનગરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે જામનગરના જામ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવે છે.

 પ્રતિ વર્ષ મુજબની આ પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી છે, અને જામનગર ના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, તેમજ જામનગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર કે જે બંને શિવ મંદિરો પર ગઈકાલે રાત્રે રોશની ગોઠવવામાં આવી છે, અને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટ થી સુશોભિત કરી દેવાયા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર પર ઝળહળતી રોશની નો નઝારો ભાવીકો નિહાળી શકે, તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત નાગેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર, ઉપરાંત પ્રતાપેશ્વર મહાદેવ મંદિર ને પણ રંગબેરંગી અને ઝળહળતી રોશનીથી સુસજ્જ બનાવી દેવામાં આવ્યા છે.

 આ ઉપરાંત જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કે જે મંદિરમાં ચારેય દ્વારથી ભગવાન શિવજીના શિવલિંગના દર્શન થાય છે, તે મંદિર પરિસરને પણ ઝળહળતી રોશનીથી સુસજજ બનાવી દેવામાં આવ્યા છે. 

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ગૌરીશંકર મહાદેવ મંદિર, ઉપરાંત વૈજનાથ મહાદેવ મંદિર,  નર્મદેશ્વર મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના શહેરના અન્ય નાના-મોટા અનેક શિવાલયોને પણ રંગબેરંગી રોશની ના શણગાર કરવામાં આવ્યા છે, તેમજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન દર્શનાર્થીઓ માટેના વિવિધ દર્શનની ઝાંખી સહિતની તૈયારીઓ પણ ચાલી રહી છે.

(9:13 AM IST)