News of Friday, 25th July 2025
હલેન્ડા પાસે રોડ ઉપર મસ મોટા ખાડાને લીધે અકસ્માતો : કોઈનો ભોગ લેવાય એ પહેલા ખાડા રીપેરીંગ કરવાની માંગ
તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહીનો અભાવઃ તાત્કાલિક રીપેરીંગ કરવામાં નહીં આવે તો રોડ બ્લોક કરી આંદોલનની ચીમકીઃ નિભંર તંત્ર કયારે જાગશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૫: રાજકોટ ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવેલ હલેન્ડા ગામ પહેલા અને પછી મસ મોટા ખાડા પડ્યા હોય છાશવારે અકસ્માતો બને છે રજૂઆતો કર્યા બાદ પણ ખાડા બુરાતા ન હોય ગ્રામજનોએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે ગામના સેવાભાવી અને યુવા આગેવાન ઉદયભાઇ ગરૈયાએ જણાવ્યું છે કે ઘણા દિવસથી હલેન્ડા ઞામ પહેલા અને પછી રોડ ઉપર બસ મોટા ખાડા પડ્યા હોય છાશવારે નાના-મોટા અકસ્માતો બને છે.
આ અંગે અનેક વખત લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી હોવા છતાં ખાડા આજ દિન સુધી બુરવામાં આવ્યા નથી તંત્ર એક જ જવાબ આપે છે ખાડા વરસાદના લીધે બુરીએ તો પાછા ધોવાઈ જાય !
રાજકોટ ભાવનગર રોડ ઉપર આખો દિવસ સતત વાહનોની અવર-જવર ચાલુ જ હોય છે અજાણ્યા વાહનચાલકોને ખાડો છે તેની જાણ ન હોવાથી અચાનક આ ખાડામાં ફોરવીલનું વ્હીલ પડે તો વાહનોને નુકસાની થાય છે જ્યારે બાઈક સવાર અચાનક ખાડામાં પડે તો બાઇક સાથે બાઇક ચાલક ફંગોળાઈ જાય છે અને તેને નાની મોટી ઇજાઓ પણ થતી હોય છે.
બે દિવસ પહેલા એક કાર ચાલકે ખાડાના લીધે કાબુ ગુમાવતા બે ગૌવંશ અડફેટે ચડી ગયા હતા જેમાં એક ગાયનું મોત થયું હતું જ્યારે બીજા ગૌવંશને ઈજા થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર અપાવતા તેનો બચાવ થયો હતો.
ઉદયભાઇ ગરૈયાએ જણાવ્યું છે કે શુ તંત્ર માનવ ભોગ લેવાય પછી જ ખાડા રિપેર કરશે તેઓ પણ અણીયારો પ્રશ્ન કર્યો છે તેમણે જણાવ્યું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી હાથ નહી ધરાઈ તો ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
