<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

લખતર તલસાણા ગામમાં ૧૦૦ વર્ષથી યોજાતા મેળામાં બાવનગજની ધ્‍વજાઓ ચઢાવી

વઢવાણ, તા.૨૫: લખતર તાલુકાના તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. દર વર્ષની અષાઢ વદ અમાસના દિવસે છેલ્લા ૧૦૦ વર્ષ કરતા વધુ સમયથી પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.

લોકમેળા દરમ્‍યાન તલસાણા ગામના તાલુકદાર પરિવાર દ્વારા તલસાણીયા મહાદેવ મંદિરના શીખર ઉપર ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતુ. એક લોકવાયકા મુજબ હાલ જે શિખરબંધ મંદિર આવેલુ છે, તેની બાજુમાં જ એક નાગદેવતાનો રાફડો આવેલો હતો. તે રાફડા પાસે સાંજના પાંચ વાગ્‍યાની આસપાસ ગામની ગાયોનું ઘણ જ્‍યારે ગામમાં પાછું જતુ હતુ, તે દરમ્‍યાન એક ગાય આ રાફડા પર આવીને ઉભી રહેતી. ત્‍યારે આપોઆપ ગાયના આંચળમાંથી દુધની ધારા વહેતી અને દુધ રાફડામાં જતું રહેતું.

લાંબો સમય આવુ ચાલવાથી ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તો એને આખી ઘટનાની જાણ થઈ હતી. તેણે આવી ગામલોકોને સંપુર્ણ ઘટના જણાવી હતી. સમય જતા જ્‍યાં રાફડો હતો. ત્‍યાં તલસાણીયા દાદાનું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્‍યુ હતુ. લોકમેળામાં મોટી સંખ્‍યામાં મહારાષ્‍ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાની માનતાઓ પુર્ણ કરી ધન્‍યતા અનુભવતા હોય છે. દર અમાસના દિવસે તલસાણીયા મહાદેવના મંદિરમાં ભંડારાનુ પણ આયોજન કરવામાં આવે છે.

(11:02 AM IST)