<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

કચ્છમાં ACBની સફળ કામગીરી : લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

લાંચના રૂપિયા ૪,૦૦૦ મોઢામાં ચાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો : ભુજ કોર્ટે મયુરસિંહ સોઢાને ભ્રષ્ટાચાર અને પુરાવાનો નાશ કરવા બદલ દોષિત ઠેરવ્યો, દંડ પણ ફટકાર્યો

ભુજ, ૨૫ જુલાઈ, ૨૦૨૫ : કચ્છ (પશ્ચિમ) એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યુરો) પોલીસ સ્ટેશન, ભુજ દ્વારા નોંધાયેલા ગુના નંબર ૦૩/૨૦૨૦ માં આજે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ભુજ-કચ્છની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-૩, મયુરસિંહ અજીતસિંહ સોઢાને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કોન્સ્ટેબલ વાયોર પોલીસ સ્ટેશન, પશ્ચિમ-કચ્છ-ભુજ ખાતે ફરજ બજાવતો હતો.
લાંચ અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ: કેસની વિગત
આ કેસની વિગત એવી છે કે, આરોપી મયુરસિંહ અજીતસિંહ સોઢાએ ફરિયાદી પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ ન કરવાના અવેજ પેટે રૂપિયા ૪,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે એ.સી.બી. નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.
આ ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આરોપી મયુરસિંહ સોઢાએ પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂપિયા ૪,૦૦૦/- સ્વીકાર્યા હતા. જોકે, તેને શંકા જતા આ ગુનામાં અગત્યનો પુરાવો ગણાતી ફીનોલ્ફથેલીન પાવડરવાળી મુદ્દામાલની નોટોને નાશ કરવાના ઈરાદાથી પોતાના મોઢામાં મૂકીને ચાવી ગયો હતો.
એ.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી, ફીનોલ્ફથેલીન પાવડરવાળી મુદ્દાની નોટો તેના મોઢામાંથી બહાર કઢાવી કબજે કરી હતી. આ નોટોને ડી.એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે ડી.એન.એ. પ્રોફાઇલ્સ પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી. આ રીતે આરોપીએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત વર્તણૂક આચરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે મુદ્દામાલની નોટો ચાવી ગયા બદલ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોર્ટનો કડક ચુકાદો અને એ.સી.બી.ની અપીલ
આ ગુનાની એ.સી.બી. દ્વારા ઝીણવટભરી તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, એ.સી.બી. (સ્પેશયલ) કોર્ટ, ભુજ-કચ્છ ખાતે ચાલી જતા, કોર્ટે આરોપી મયુરસિંહ અજીતસિંહ સોઢાને દોષિત ઠેરવ્યો હતો અને કડક સજા ફરમાવી હતી.
કોર્ટના હુકમ મુજબ:
 * ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા ૨૦૧૮) ની કલમ ૦૭ મુજબના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૫,૦૦૦/- દંડ. જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા.
 * કલમ-૧૩(૨) તથા ૧૩(૧)(A) મુજબના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૫,૦૦૦/- નો દંડ. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા.
 * ભારતીય દંડ સંહિતાની કલમ-૨૦૧, ૫૧૧ મુજબના પુરાવાનો નાશ કરવાના પ્રયાસના ગુના અન્વયે નવ માસની સખત કેદની સજા અને રૂપિયા ૫૦૦/- નો દંડ. જો દંડ ન ભરે તો વધુ દસ દિવસની સજા.
આ ચુકાદો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક કડક સંદેશ સમાન છે. એ.સી.બી. દ્વારા અન્ય કોઈ સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારની જાણ કરવા માટે નાગરિકોને આહવાન કરવામાં આવે છે. નાગરિકો ટોલ ફ્રી નંબર-૧૦૬૪, ફોન નંબર-૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નંબર-૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઇલ [email protected], વ્હોટએપ નંબર-૯૦૯૯૯ ૧૧૦૯૫ ઉપર સંપર્ક કરી શકે છે અથવા કચેરી સમય દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ શકે છે, તેમજ સીડી દ્વારા અથવા પેન ડ્રાઈવ દ્વારા પણ માહિતી મોકલી શકે છે.

(6:07 PM IST)