<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે છોટી કાશી ગણાતા જામનગરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા

કાશી વિશ્વનાથ મંદિરે ભાવિકો ઉમટ્યા, પંચામૃત, બિલ્વપત્ર, દૂઘ સાથે મહાદેવને રીઝવવા પ્રયાસ. 131 વર્ષ જૂનું કાશી વિશ્વનાથનું અનોખા મંદિરમાં ચારેય દિશાએથી શિવલિંગના થાય છે દર્શન,

જામનગર : ધર્મનગરી અને છોટીકાશી તરીકેના ગૌરવવંતા બિરુદથી ઓળખાતા જામનગરની ધરતી પર અનેક શિવાલય આવેલા છે. જે જગપ્રસિદ્ધ છે. આવું જ એક શિવ મંદિર જેમનું નામ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખૂબ વિખ્યાત છે. અહીં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. જામનગરની શાન ગણાતા આ મંદિરની સ્થાપનાને લગભગ 131 વર્ષ થયા છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી.

ભારતમાં માત્ર બે જ આવા મંદિર છે, જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજું જામનગરમાં આવેલુ કાશી વિશ્વનાથનું મંદિર છે. આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ મંદિર પણ છે. જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથનું મંદિર 131 વર્ષ જુનું છે. આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાંનિધ્યમાં બ્રાહ્મણો દ્વારા પૂજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહિ તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી. એ સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

જામનગરની મધ્યમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડ ભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.પવિત્ર શ્રાવણ માસ હોય કે, પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઇને સાંજ સુધી ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે અને દૂધ અને જળાભિષેક કરે છે. શ્રાવણ માસ ઉપરાંત મહાશિવરાત્રી સહિતના અનેક પર્વ પર અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ ઉપરાંત દરરોજ વહેલી સવારે પણ ભક્તો અહીં દર્શન અર્થે લાઈનો લગાવતા હોય છે.

પવિત્ર શ્રાવણ માસમાં શિવમંદિરોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે. દરેક શિવમંદિરોની અનેક વિવિધ વિશેષતા હોય છે. જામનગરમાં આવેલુ કાશી વિશ્વનાથ મંદિર પણ અનેક વિશેષતા ધરાવે છે. જેના કારણે જામનગર શહેરને પણ છોટે કાશીનું ઉપનામ મળ્યુ છે. શ્રાવણ માસમાં દૈનિક શિવજીની વિશેષ આરતી અને શણગાર હોય છે. સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે.વર્ષોથી ભકતો માટે આ શિવમંદિર આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.

જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું બાંધકામ આકર્ષક છે. મંદિરમાં બાહ્ય દેખાવ ચોપાટની રમત જેવો તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર કુલ 72 સ્થંભ પર ઉભુ છે. મંદિરનો આકાર ચારેય બાજુથી મુખ્ય દરવાજા હોય તેવો છે. મંદિરમાં મુખ્ય શિખર સિવાય અન્ય ચાર શિખર આવેલા છે. તેમજ ચાર 8 ઘુમટ ધરાવે છે. ચારેય ઘુમટ નીચે અલગ -અલગ સંસ્કૃતિની ઝાંખી કરાવતી મુર્તિઓના દર્શન થાય છે. જેમાં રાસલીલા, કૃષ્ણલીલા, પાંડવો અને શિવ પરીવારની મુર્તિઓ જોવા મળે છે. વખતો વખતો આ મંદિરનો જીર્ણોધાર કરવામાં આવ્યો છે. અનેક વિશેષતાઓના કારણે આ મંદિર અન્ય મંદિરથી જુદુ પડે છે અને આવી વિશેષતાઓ ભકતોને આકર્ષે છે. ત્યારે જામનગરના કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે

(7:33 PM IST)