<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

લાંચ લેતા ઝડપાયેલ લોક રક્ષકને પાંચ વર્ષની જેલ :કચ્છમાં દેશી દારૂની ભઠ્ઠીનો કેસ નહીં કરવા લાંચ લીધી હતી અને નોટો ચાવી ગયો હતો

૮૦૦૦ આપ્યા બાદ બાકીના રૂપિયાની ઉઘરાણી કરાતા ફરિયાદીએ તેનું કોલ રેકોર્ડિંગ કરી એસીબીની મદદથી છટકું ગોઠવતા તે રૂપિયા લેતા ઝડપાઇ ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છના અબડાસા તા.ના નલિયા પાસે આવેલ વાયોર ગામના પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ પૂર્વે લાંચના કિસ્સામાં ઝડપાયેલ લોકરક્ષકને ભુજ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સાથે દસ હજારનો દંડ ફટકાર્યો છે. ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ ડી.પી. મહીડાએ લોકરક્ષક મયુરસિંહ અજીતસિંહ જાડેજાને લાંચ લેવાના કેસમાં તકસીરવાન ઠેરવ્યો હતો. દેશી દારૂની ભઠ્ઠી નો કેસ નહીં કરવા લોક રક્ષક મયુરસિંહ દ્વારા ૧૫ હજારની લાંચ માંગવામાં આવી હતી. ૮૦૦૦ આપ્યા બાદ બાકીના રૂપિયાની ઉઘરાણી કરાતા ફરિયાદીએ તેનું કોલ રેકોર્ડિંગ કરી એસીબીની મદદથી છટકું ગોઠવતા તે રૂપિયા લેતા ઝડપાઇ ગયો હતો. આરોપી એસીબીના છટકા સમયે રૂપિયા ચાવી જતા પીએચસીમાં લઈ જઈ તબીબની હાજરીમાં ચાવેલી નોટો કઢાવી કેસ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

(9:08 AM IST)