<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

બગસરામાં ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું રૂષિકેશ પટેલના હસ્‍તે લોકાર્પણ

જે.વી. કલ્‍કડિયા, જનક તળાવિયા સહિતના ઉપસ્‍થિત

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૨૬: ગુજરાત સરકારના આરોગ્‍ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલે આજે અમરેલી જિલ્લાના બગસરામાં રુ.૪.૫૨ કરોડના ખર્ચે અદ્યતન સવલતોથી સજ્જ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કર્યું હતું.

 પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આરોગ્‍ય મંત્રીશ્રીએ અમરેલી સ્‍થિત ભગવાન નાગનાથ મહાદેવના દર્શન કરીને ૩૦ બેડના આ આરોગ્‍ય મંદિરને ખુલ્લુ મૂકતા જણાવ્‍યુ કે, ભારતીય સંસ્‍કળતિમાં શિક્ષણ અને આરોગ્‍ય સેવા સાથે જોડાયેલા છે, તે પાવન પરંપરાને કેન્‍દ્ર- રાજય સરકાર આગળ વધારી રહી છે, આયુષ્‍માન કાર્ડ હેઠળ મોટાભાગની આરોગ્‍ય સેવાઓને આવરી લેવામાં આવી છે, દરેકને સ્‍વમાનભેર આરોગ્‍યના લાભો મળે તે માટે પીએચસી, સીએચસી, પેટા આરોગ્‍ય કેન્‍દ્ર વગેરે આરોગ્‍ય સેવાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

 નવનિર્મિત બગસરા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લેબોરેટરી, એક્‍સ રે, ઓપરેશન રુમ, ફિઝીયોથેરાપી, ટીબી વિભાગ સહિતની સુવિધાઓ સાથેના આ નવા બિલ્‍ડિંગમાં ઉપલબ્‍ધ છે, તેમાં ઉમેરો કરવાનો ઉલ્લેખ કરતા મંત્રીએ વચન પણ આપ્‍યું કે, એક માસની અંદર આ આરોગ્‍ય કેન્‍દ્રમાં ડાયાલિસિસ વિભાગ શરુ કરવામાં આવશે. જેથી બગસરા શહેર અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ડાયાલિસિસ માટે અમરેલી સુધી લાંબુ નહિ થવું પડે.

આરોગ્‍ય મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના સાહિત્‍ય અને લોકસેવાને વરેલા ઝવેરચંદ મેઘાણી, કવિ દુલા ભાયા કાગ, કવિ કલાપી, ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી  જીવરાજ મહેતા, પી.કે. લહેરી, કે. લાલ, રમેશ પારેખ, વસંત પરીખ વગેરે પ્રતિભાઓને પણ સગૌરવ યાદ કર્યા હતા.

 આ પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્‍ય શ્રી જે.વી. કાકડીયાએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યુ  કે, ગુજરાત સરકારે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર આપવાની સાથે સાયન્‍સ કોલેજ પણ આપી છે, આમ, નાગરિકોને કોઈ સુવિધાઓ ઘટે નહિ તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

 જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પણ પ્રસંગોચિત સંબોધન કરતા આરોગ્‍ય સવલતો અને કેન્‍દ્ર- રાજ્‍ય સરકારની યોજનાઓ જનધન સુધી પહોંચી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્‍દુ પરિષદ અને વેપારી મંડળના હોદ્દેદારોએ આરોગ્‍ય મંત્રીશ્રીનું વિશેષ સ્‍વાગત સન્‍માન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી આર.એમ. જોષીએ શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતુ.

 આ પ્રસંગે લાઠી બાબરાના ધારાસભ્‍ય  જનકભાઈ તળાવીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‍યા, જિલ્લા આરોગ્‍ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, પૂર્વ ધારાસભ્‍ય નલીનભાઈ કોટડીયા, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન બકરાણીયા, વિભાગીય નિયામક  એચ.બી. વાળા, પ્રાંત અધિકારી  કમલેશ નંદા, અગ્રણી જીતુભાઈ ડેર,  ઘનશ્‍યામભાઈ સાદરાણી, એ.વી. રીબડીયા  સહિતના પદાધિકારી - અધિકારી અને સ્‍થાનિક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.(૨૩.૪)

(10:20 AM IST)