તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
જામનગર મહાનગરપાલિકામાં પ્રેસ-મીડિયા સાથે સંકલનનો મુદ્દોઃ માહિતીના અભાવે ગેરસમજણ
મહાનગરપાલિકા દ્વારા મંદિર તોડવા અંગેના ખુલાસા માટે બોલાવાયેલા પત્રકારોને માહિતી સંકલનમાં મુશ્કેલી પડી : પી.આર.ઓ. દ્વારા કોઈ ફોન ન કરાયા હોવાનું જણાવાયું: સિટી એન્જિનિયરે ટૂંકા સમય અને ફોન બંધ હોવાને કારણે અમુક જ લોકોને જાણ કરી હોવાનું કહ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૬ : જામનગર મહાનગરપાલિકા દ્વારા મંદિર તોડવા અંગેના ખુલાસા માટે બોલાવાયેલા પત્રકારોને માહિતી સંકલનમાં મુશ્કેલી પડી હતી. પી.આર.ઓ. દ્વારા કોઈ ફોન ન કરાયા હોવાનું જણાવાયું, જ્યારે સિટી એન્જિનિયરે ટૂંકા સમય અને ફોન બંધ હોવાને કારણે અમુક જ લોકોને જાણ કરી હોવાનું કહ્યું. આ ઘટનાથી મહાનગરપાલિકા અને મીડિયા વચ્ચેના સંકલન પર પ્રશ્નો ઊભા થયા છે.
જામનગર મહાનગરપાલિકા અને પ્રેસ-મીડિયા વચ્ચે સંકલનનો અભાવ, જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મંદિર તોડવા અંગેના મુદ્દે ખુલાસા કરવા માટે પત્રકારો અને મીડિયા કર્મીઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, આ અંગેના સંકલનમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળી હતી.
મહાનગરપાલિકાના પ્રેસ-મીડિયા સાથે સંકલન કરતા પબ્લિક રિલેશન ઓફિસર (પી.આર.ઓ.) ધર્મેશ જેઠવા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા, તેમણે જણાવ્યું કે આ અંગે તેમના સુધી કોઈ માહિતી આવી ન હતી અને તેમણે કોઈ પત્રકારોને ટેલિફોનિક કે લેખિત જાણ કરી ન હતી. વધુ માહિતી માટે તેમણે સિટી એન્જિનિયર જાનીનો સંપર્ક કરવાનું સૂચવ્યું.
ત્યારબાદ, સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ સામેથી ટેલિફોનિક સંપર્ક કરીને જણાવ્યું કે ટૂંકા સમયગાળાને કારણે અને પી.આર.ઓ.નો ફોન બંધ હોવાથી, તેઓ અમુક જ લોકોને જાણ કરી શકયા હતા. તેમણે સૂચવ્યું કે મીડિયા કર્મીઓએ તેમાંથી સંકલન કરી લેવું જોઈએ !!!!!
આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મહાનગરપાલિકા અને પ્રેસ-મીડિયા વચ્ચે માહિતીનું યોગ્ય સંકલન થઈ શકયું ન હતું. આવા સંજોગોમાં, મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ તરફથી સ્પષ્ટ અને સમયસર માહિતી મળે તે આવશ્યક છે જેથી ગેરસમજણો ટાળી શકાય અને લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર ) (૯.૧પ)
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
