<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

મોરબી વીસીપરામાં પતિએ ફડાકા મારતાં નવોઢા રોશનીનો ગળાફાંસો ખાઇ આપઘાત

બે મહિના પહેલા જ લગ્ન થયા હતાંઃ મુળ એમપીની નવોઢાએ સારવારમાં રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬ઃ મોરબીમાં રહેતી નવોઢાને પતિ સાથે ચડભડ થતાં પતિએ બે લાફા મારી લેતાં તેણીને માઠુ લાગતાં ઘરનો દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. બે મહિના પહેલા તેણીના લગ્ન થયા હતાં.

જાણવા મળ્યા મુજબ મોરબીમાં વીસીપીરા ફાટક પાસેની ગલીમાં રહેતી રોશની રામમુ મેડા (ઉ.વ.૧૮) નામની પરિણીતાએ રાતે દસેક વાગ્યે ઘરમાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં દરવાજો તોડતાં તેણી લટકતી મળી હતી. બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ, મહેશભાઇ જોગડા, પરેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, ધર્મેશભાઇએ મોરબી બી-ડિવીઝનમાં જાણ  કરી હતી. રોશની મુળ મધ્યપ્રદેશની વતની હતી. તે ચાર બહેન અને એક ભાઇમાં મોટી હતી. બે મહિના પહેલા જ રામુ મેડા સાથે લગ્ન થયા બાદ અહિ મોરબી રહેવા આવી હતી. તેનો પતિ કડીયા કામની મજૂરી કરે છે. પતિ સાથે કોઇ વાતે ચડભડ થતાં પતિએ બે ફડાકા મારી દીધા હતાં અને તે બહાર જતો રહ્યો હતો. એ પછી તેણીને માઠુ લાગતાં  દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઇ લીધો હતો. મોરબી પોલીસે સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(12:52 PM IST)