<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ભાણવડના સેવક દેવળીયા ગામે ગૌવંશની નિર્મમ હત્યા : દેવભૂમિ દ્વારકા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

શ્રાવણ માસમાં ગૌહત્યા રોકવા અભિયાન : કબ્રસ્તાન પાસે ગૌવંશના અવશેષો સગેવગે કરતા હત્યારાઓ રંગેહાથ પકડાયા : પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામે ગૌવંશની હત્યા કરનારાઓને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની સૂચના હેઠળ હાલ ચાલી રહેલા શ્રાવણ માસમાં ગૌવંશની હત્યા તેમજ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસની સઘન તપાસ અને આરોપીઓની ધરપકડ
નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયા વિભાગના વિસ્મય માનસેતાના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ગોહીલ, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી.સીંગરખીયા અને ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.રાજવીએ અલગ અલગ ટીમો બનાવી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પેટ્રોલીંગ અને કામગીરી હાથ ધરી હતી.
ગઈકાલ, તા. ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ પી.જે.ખાંટ, પો.સબ ઇન્સ્પેક્ટરને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે, સેવક દેવળીયા ગામે આવેલા કબ્રસ્તાનથી દક્ષિણે પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગૌવંશની હત્યા કરવામાં આવી છે અને તેના વધેલા અવશેષોને કેટલાક ઇસમો સગેવગે કરી રહ્યા છે. આ માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ઘટનાસ્થળેથી ગૌહત્યા કરેલી જગ્યા સાફ કરતા અને વધેલા અવશેષોનો નિકાલ કરતા હત્યારાઓને હથિયારો સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ ઇસમો વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતા પારખીને પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયે વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાની આગેવાનીમાં ભાણવડ, SOG, LCB પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમો બનાવી ગુન્હાની સઘન અને તલસ્પર્શી તપાસ થાય અને અન્ય આરોપીઓ સત્વરે પકડાય તે માટે સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી.
આ દરમ્યાન, આ કેસમાં નાસી છૂટેલો આરોપી આમીન ઉર્ફે કારીયો (રહે. સેવક દેવળીયા) ને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આમ, આ કામના પ્રાથમિક રીતે ગુન્હામાં સંડોવાયેલા તમામ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. આજે આ કામના આરોપીઓને પોલીસ રિમાન્ડ માટે ભાણવડ નામદાર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને ગૌવંશ-કતલના કેસોના ખાસ નિમાયેલા વકીલ સી.એમ.જોશી હાજર રહીને રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી હતી. વધુ તપાસ જારી છે.
પકડાયેલ આરોપીઓના નામ:
૧. અબ્દુલ ઉર્ફે બાળકો જુસબભાઈ સમા (રહે. સેવક દેવળીયા ગામ)
૨. ફારૂકભાઈ મુસાભાઈ ધાવડા (રહે. સેવક દેવળીયા ગામ)
૩. ઓસમાણ ઉર્ફે ભુટો જુસબભાઈ ધુધા (રહે. સેવક દેવળીયા ગામ)
૪. આમીન ઉર્ફે કારીયો નુરમામદભાઈ ધુધા (રહે. સેવક દેવળીયા)
કામગીરી કરનાર ટીમ:
વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાના સુપરવિઝન હેઠળ:
૧. કે.કે.ગોહીલ, પો.ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ
૨. પી.સી.સીંગરખીયા, પો.ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમ
૩. કે.બી.રાજવી, પો.ઇન્સ્પેક્ટર, ભાણવડ પો.સ્ટે. તથા ભાણવડ પો.સ્ટે.નો સ્ટાફ
૪. પી.જે.ખાંટ, પો.સબ ઇન્સ્પેક્ટર, ભાણવડ પો.સ્ટે.
૫. પી.એમ.ગોરફાડ, પો.સબ ઇન્સ્પેક્ટર

(6:56 PM IST)