તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 26th July 2025
ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં આવકમાં પ્રથમ, ગુજરાતમાં ટર્નઓવરમાં બીજું સ્થાન મેળવ્યું
૧૦૦ એકરમાં પથરાયેલું યાર્ડ ૪૦થી વધુ જણસીઓની આવકનું હબ : ૮૯ લાખ ક્વિન્ટલથી વધુ આવક સાથે ભારતભરમાં મોખરે : ખેડૂતોની સુવિધા માટે ૧.૮૫ લાખ સ્કવેર ફૂટના શેડનું નિર્માણ

(ભાવેશ ભોજાણી દ્વારા), ગોંડલ : સૌરાષ્ટ્રનું અગ્રણી અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડે આ વર્ષે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિવિધ જણસીઓની આવકમાં ગોંડલ યાર્ડ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ સ્થાન પર આવ્યું છે, જે ખેડૂતો માટે ગર્વની વાત છે. આ ઉપરાંત, વાર્ષિક ટર્નઓવરની દ્રષ્ટિએ પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં સુરત બાદ બીજા ક્રમે રહ્યું છે.
ગોંડલ યાર્ડની સિદ્ધિઓ અને ખેડૂતલક્ષી સુવિધાઓ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ૧૦૦ એકરમાં પથરાયેલું છે અને ૪૦થી વધુ જણસીઓની આવકનું મુખ્ય કેન્દ્ર છે. ખાસ કરીને લસણ, ડુંગળી, મરચાં, મગફળી, ધાણા, જીરું સહિતની જણસીઓની આવકમાં તે હબ માનવામાં આવે છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસીઓ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન:
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ ખુશીની વાત છે, કારણકે ગોંડલ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે. આ વર્ષના માલ આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યું છે. સમગ્ર ગુજરાતના જણસીની આવકના ડેટા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ - અમદાવાદ દ્વારા લેવામાં આવે છે.
ટર્નઓવરમાં ગુજરાતમાં બીજું સ્થાન:
જ્યારે વાર્ષિક ટર્નઓવરમાં, સુરત પછી ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં રૂ. ૪૬.૯૧ કરોડની આવક સાથે બીજા સ્થાને રહ્યું હતું.
ભારતભરમાં જણસી આવકમાં મોખરે:
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જ્યારે અહીં પોતાની જણસી લઈને વેચવા આવે છે, ત્યારે સમગ્ર ભારતની અંદર ૮૯ લાખ ૫ હજાર ૩૦૦ ક્વિન્ટલ આવક સાથે ગોંડલ યાર્ડ સમગ્ર ભારતભરમાં મોખરે રહ્યું છે.
ખેડૂતલક્ષી વ્યવસ્થાઓ:
ગોંડલ યાર્ડમાં જે પણ વ્યવસ્થાઓ થાય છે તે માત્ર ખેડૂતો માટે જ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓ ઉપરાંત સફરજન, કેસર કેરી, દ્રાક્ષ, ખારેક જેવી જણસીઓની આવકમાં પણ ગુજરાતમાં નંબર વન પર હોય છે. યાર્ડમાં શાકભાજીની પણ પુષ્કળ આવક થાય છે.
નવા શેડનું નિર્માણ:
હાલ ગોંડલ યાર્ડ ખેડૂતો માટે ભવિષ્યમાં માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે ત્યારે આવતી સિઝનમાં કોઈ પણ ખેડૂતોનો માલ ન પલળે તે માટે અત્યારે ૧ લાખ ૮૫ હજાર સ્કવેર ફીટનો શેડ બનાવ્યો છે. આ ઉપરાંત બીજો ૩૫ વિઘાનો શેડ પણ બની રહ્યો છે. ગોંડલ યાર્ડ સમગ્ર ભારતમાં જણસીઓની આવકમાં પ્રથમ સ્થાન પર છે, અને યાર્ડમાં થતી આવકનો ઉપયોગ હંમેશા ખેડૂતો માટે જ કરવામાં આવે છે. ગોંડલ યાર્ડ માલ આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતનું નંબર વન રહ્યું છે અને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓને બોલાવી ખેડૂતોએ મહામહેનતે પકાવેલ જણસીઓના સારા ભાવ મળે તે માટે પણ વ્યવસ્થા ગોંડલ યાર્ડ કરતું હોય છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
