<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

શ્રાવણ મહોત્સવ અંતર્ગત સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય જરદોશી વર્કના પ્યોર સિલ્કના વાઘા:સિંહાસનને 200 કિલો ઓર્કિડ-ગુલાબના ફુલનો શણગાર : 51 કિલો સુખડીનો અન્નકૂટ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દરરોજ બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન

રાજકોટ તા.૨૭ : શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે  સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના  તા.27-07-2025ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને  દિવ્ય  વાઘા પહેરાવાયા છે અને સિંહાસને વિશેષ વિવિધ ફ્રુટનો શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.આ અનેરા દર્શનનૉ  લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ. 

શ્રી હનુમાનજી દાદાને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પહેલા રવિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને જરદોશી વર્કના પ્યોર સિલ્કના કાપડમાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે. આ વાઘા 4 કારીગરો દ્વારા 7 દિવસની મહેનતે વૃંદાવનમાં બનાવવામાં આવ્યા છે. વાઘામાં ફુલની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને 200 કિલો ઓર્કિડ અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે અને દાદાને આજે 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવ્યો છે.

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને  મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં  આવ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું  આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરાવે છે.  જેનો સમય દરરોજ સાંજે 4 થી 6:30 કલાકનો છે.

(10:32 AM IST)