<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ગોંડલ યાર્ડ જણસીઓની આવકમાં સૌરાષ્‍ટ્રમાં પ્રથમ : ટર્ન ઓવરમાં ગુજરાતમાં બીજુ સ્‍થાન

૧૦૦ એકરમાં પથરાયેલ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૪૦ થી વધુ જણસીઓની આવક : યાર્ડના ચેરમેન અલ્‍પેશ ઢોલરીયાની આગેવાનીમાં વેગવંતો વિકાસ

 

ગોંડલ, તા., ર૮: સૌરાષ્‍ટ્રનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્‍થાનું કેન્‍દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની સિઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. ત્‍યારે આ વર્ષના જણસીની આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. જ્‍યારે સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ટર્નઓવરમાં પ્રથમ ક્રમે સુરત બાદ બીજા ક્રમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવ્‍યું છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ૧૦૦ એકરમાં પથરાયેલું છે. ત્‍યારે યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, મગફળી, ધાણા, જીરું સહિતની જણસીની આવકમાં હબ માનવામાં આવે છે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી જેમકે રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે તેમજ સમગ્ર સૌરાષ્‍ટ્રના ખેડૂતો માટે ખુશીની વાત છે કારણકે ગોંડલ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે. આ વર્ષના માલ આવકના આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં નંબર વન પર આવ્‍યું છે.  સમગ્ર ગુજરાતના જણસીની આવકના ડેટા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ - અમદાવાદ દ્વારા લેવાતા હોય છે. જ્‍યારે ટર્નઓવરમાં પ્રથમ સુરત બાદ ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં આખા વર્ષની ૪૬.૯૧ કરોડ રૂપિયા આવક સાથે બીજા સ્‍થાને રહ્યું હતું. સૌરાષ્‍ટ્રભર માંથી ખેડૂતો જ્‍યારે અહીં પોતાની જણસી લઈને અહીં વેચવા આવે છે ત્‍યારે સમગ્ર ભારતની અંદર ૮૯ લાખ ૫ હજાર ૩૦૦ કવિન્‍ટલ આવક સાથે સમગ્ર ભારતભરમાં ગોંડલ યાર્ડ મોખરે રહ્યું છે. ગોંડલ યાર્ડમાં જે પણ વ્‍યવસ્‍થાઓ થાય છે એ માત્ર ખેડૂતો માટે કરવામાં આવે છે એટલા માટે જ ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓ ઉપરાંત સફરજન, કેસર કેરી, દ્રાક્ષ, ખારેક આવકમાં ગુજરાતમાં નંબર વન ઉપર હોય છે. તેમજ યાર્ડમાં શાકભાજીની પણ અઢળક આવક થતી હોય છે. હાલ ગોંડલ યાર્ડ ખેડૂતો માટે ગમે ત્‍યારે માવઠું કે વરસાદની પરિસ્‍થિતિ આવે ત્‍યારે આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતોનો માલ ન પલળે તેને લઈને અત્‍યારે ૧ લાખ ૮૫ હજાર સ્‍કવેર ફિટનો શેડ બનાવ્‍યો છે ઉપરાંત બીજો ૩૫ વિઘાનો શેડ બની રહ્યો છે. ગોંડલ યાર્ડ સમગ્ર ભારતમાં જણસીઓની આવકમાં નંબર વન આવી રહ્યો છે ત્‍યારે ગોંડલ યાર્ડની અંદર હરહમેંશા જે કાંઈ આવક થાય તેનો ઉપયોગ ખેડૂતો માટે કરવામાં આવે છે. ગોંડલ યાર્ડ માલ આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતનું નંબર વન રહ્યું છે. સમગ્ર વિશ્વ માંથી વેપારીઓને બોલાવી ખેડૂતોએ મહામહેનતે પકાવેલ જણસીઓના ભાવ સારા મળે તે માટે વ્‍યવસ્‍થા ગોંડલ યાર્ડ કરતું હોય છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૨૫)

(10:55 AM IST)