<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડમાં ભારે હંગામો : કોંગ્રેસના આક્ષેપો વચ્ચે શાસક પક્ષે કર્યું વોકઆઉટ : ગણતરીની મિનિટોમાં 32માંથી 28 મુદ્દા બહુમતીથી મંજૂર!

વિરોધ પક્ષના નેતા ડી.એલ. ભાષાએ નિયમોના ભંગ અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરી, જ્યારે ચીફ ઓફિસરે 28 એજન્ડા બહુમતીથી પસાર થયાનું જણાવ્યું : ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ચર્ચા ટાળવા શાસક પક્ષે સભાગૃહ છોડ્યાનો કોંગ્રેસનો દાવો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ભારે હંગામો અને ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો, જેના પગલે શાસક પક્ષ ભાજપે વોકઆઉટ કર્યું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયાના અધ્યક્ષ સ્થાને, ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા, ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સી.સી. અંટાળા અને હેડ ક્લાર્ક ભાવેશભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં કુલ 32 મુદ્દાઓ સાથેનું જનરલ બોર્ડ મળ્યું હતું.
બોર્ડની શરૂઆત પાંચ નંબરના મુદ્દાથી થતાં જ વિપક્ષ કોંગ્રેસના નેતા ડી.એલ. ભાષા અને દંડક યુસુફભાઈ નવીવાલાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ચીફ ઓફિસરને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નિયમ મુજબ કાર્યવાહી થતી નથી, કારણ કે એકથી પાંચ એજન્ડાઓને બાદ કરી બોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી હતી કે, બોર્ડના અધ્યક્ષ નગરપાલિકાના પ્રમુખ હોય, જેથી આ બાબતે તેમને કશું કરવાનું રહેતું નથી.
વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો કે, પ્રમુખ દ્વારા દરેક મુદ્દા પર ચર્ચા કરવાને બદલે માત્ર મુદ્દાઓ વાંચી લેવામાં આવ્યા હતા, જે લોકશાહી પ્રક્રિયાનો ભંગ છે. આ ભારે ગરમાગરમી અને હોબાળા વચ્ચે પણ બોર્ડ બહુમતીના ધોરણે મંજૂર થયું હોવાનું ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, કુલ 32 મુદ્દાઓમાંથી બે મુદ્દા પર ઉપરી કચેરીના માર્ગદર્શનની જરૂર હોવાથી, એક મુદ્દા પર આગામી સાધારણ સભામાં ઠરાવ લેવાનો હોવાથી, અને એક એજન્ડા પર નામંજૂરી આપવામાં આવી હોવાથી, કુલ ચાર મુદ્દાઓને બાદ કરતા બાકીના 28 એજન્ડાઓ બહુમતીના ધોરણે પસાર કરવામાં આવ્યા છે.
જોકે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ડી.એલ. ભાષાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, શાસક પક્ષ દ્વારા બોર્ડમાં ગેરરીતિ થવાની સંભાવનાને લઈ તેમણે ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ વિભાગને લેખિત જાણ કરી હતી. તેમણે આખી પ્રક્રિયા નિયમ અને કાયદાથી વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. વિપક્ષના સભ્ય અને દંડક યુસુફ નવીવાલાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે, તમામ પ્રક્રિયા મનસ્વી રીતે અને નિયમો નેવે મૂકીને કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોઈ મુદ્દા પર ચર્ચા કરવાને બદલે શાસક પક્ષે કાર્યવાહી પૂર્ણ થાય તે પૂર્વે જ સભાગૃહ છોડી દીધું હતું અને વોકઆઉટ કર્યું હતું.
ધોરાજી નગરપાલિકાના વિપક્ષના 12 સભ્યોએ આ મામલે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, બોર્ડમાં નિયમ મુજબ કાર્યવાહી થયેલ ન હતી અને ચીફ ઓફિસર દ્વારા "હું આમાં કશું કરી શકું નહીં" એ પ્રકારનો બેજવાબદાર જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે એ પણ નોંધ્યું હતું કે, જનરલ બોર્ડમાંથી શાસક પક્ષના 22 સભ્યોએ વોકઆઉટ કર્યું હતું, જેની નોંધ નેટબુકમાં કરવા માટે તેમની સહી સાથે રજૂઆત કરવામાં આવી હતી.
નોંધનીય બાબત એ છે કે, ધોરાજીના જનરલ બોર્ડમાં શાસક પક્ષ તરફથી પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, જનરલ બોર્ડ યોજવાના સમયે વિપક્ષના નેતા ડી.એલ. ભાષાએ તમામ મીડિયા મિત્રોને સભાગૃહમાં બોલાવી લીધા હતા અને તેમને સમગ્ર સભાનું કવરેજ કરવા જણાવ્યું હતું, જેથી જનરલ બોર્ડની પારદર્શિતા લોકો સમક્ષ આવે.
ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ શાસિત નગરપાલિકામાં જે ગેરરીતિઓ આચરવામાં આવી હતી તેવા મુદ્દે ચર્ચા થવા ન પામે અને ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે બોર્ડમાં તમામ મુદ્દાઓની ચર્ચા કર્યા વિના માત્ર મુદ્દાઓ વાંચીને બોર્ડ મંજૂર કરવાની કામગીરી શાસક પક્ષ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ ધોરાજી નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતા અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા કરે છે.

(8:19 PM IST)