News of Monday, 28th July 2025
વાંકાનેરમાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષથી પણ વધુ જૂનું સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર: જાણો રસપ્રદ ઇતિહાસ
શિવજીના દર્શનની સાથોસાથ કુદરતી સોંદર્યનો લાભ લેવા માટે શ્રાવણ માસમાં લાખો લોકો આવે છે.

વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ કરતા પણ વધુ જુનું સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. જેથી જ્યોતિર્લિંગથી પણ વિશેષ મહત્વ આ મંદિરમાં બિરાજતા જડેશ્વર દાદાનું છે તેમ શંકાને કોઈ સ્થાન નથી.
મોરબી જિલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે. તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ઇતિહાસમાં એવું લખાયેલુ છે કે, જામનગરના રાજા જામ રાવળ પૂર્વ જન્મમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા અને તે ગામમાં પરસોત્તમ સોની રહેતો હતો. જેની ગાયોને ભગવાન ભરવાડ ચરાવવા માટે લઇ જતો હતો.
જો કે, સોનીની એક ગાય પૂષ્કળ દૂધ આપતી હતી. પરંતુ જે તે સમયે થોડા દિવસથી ગાય દૂધ જ આપતી ન હતી. જેથી ભરવાડ ગાયને દોહી લેતો હોવાનો આક્ષેપ થયો હતો માટે બીજા દિવસે ભરવાડ અને સોની ગાયનું દુધ ક્યાં જાય છે તે જોવા માટે ગાયની પાછળ જાય છે અને જોયું તો ગાય જેને હાલમાં રતન ટેકરી તરીકે લોકો જાણે છે તે ટેકરા પર ચડી ગઇ હતી અને તે ગાય એક ખાડા ઉપર ઉભી રહેતાની સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું હતું તેવું જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.
જડેશ્વર દાદની સ્થાપના થયા બાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે જતા હતા તે સમયે સોની ભરવાડને કહેતા કે, આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. જો કોઈ પણ કમળપૂજા કરે તો તે જરૂર આવતા જન્મમાં તે રાજા બને છે માટે ભરવાડે મનોમન મહાદેવની કમળપૂજા કરવાનો નિશ્ચય કર્યો હતો અને 20 વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને કમળપૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખીને કમળપુજા કરી હતી. ત્યારે તેનું માથું મહાદેવને અથડાયને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું. જો કે, મહાદેવ ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થયા હતા અને ભરવાડનો બીજો જન્મ જામ રાવળ તરીકે થયો હતો.
પરંતુ અરણીનું વૃક્ષ ભગવાન ભરવાડની ખોપરીમાંથી ઉગ્યું હોવાથી જ્યારે જ્યારે પવનથી તે વૃક્ષ હલે એ સમયે જામ રાવળને માથામાં દુખાવો થતો હતો જેથી રાજાને અરણીનું તે વૃક્ષ કાપવા કહ્યું હતું અને ત્યાર બાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતા. તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિતે દર મહિને 50 રૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મંદિરને મોકલવામાં આવે છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી આજે રવાડી યાત્રામાં જોડાયા હતા. તેમજ મોટીસંખ્યામાં શિવભક્તો પણ હાજર રહ્યા હતા અને જડેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ મંદિર રતન ટેકરી નામે જાણીતું હતું દરવર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અહીં એક ગૌશાળા છે જેમાં હાલમાં 200 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને ગૌશાળામાં ગૌવંશોનો નિભાવ કરવા માટે ગૌશાળા પાસે આવકોનો કોઇ સ્ત્રોત નથી પરંતુ મંદિરે દર્શન કરવા માટે આવતા શિવભક્તો તરફથી મળતા દાનની રકમ તેમજ મંદિરની વાર્ષીક આવકમાંથી ગાયોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે તેવુ લઘુમહંત જીતુભાઇ રતિલાલજી ત્રિવેદીએ જણાવ્યું છે.
દર વર્ષે શ્રાવણ મહિનામાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યમાંથી ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવતા હોય છે. તેઓના માટે રહેવા, જમવા સહિતની સુવિધા ત્યાં દાતાના સહયોગથી કરવામાં આવેલ છે. કુદરતી સોંદર્યની વચ્ચે વાંકાનેર નજીક રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. ત્યાં શિવાજીના દર્શનની સાથોસાથ કુદરતી સોંદર્યનો લાભ લેવા માટે શ્રાવણ માસમાં લાખો લોકો આવે છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
