News of Tuesday, 29th July 2025
હળવદના સાપકડા CHCના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હિમાનીબેન પ્રજાપતિનો પુલ પરથી ઝંપલાવી આપઘાત

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૯:તાલુકાના સુંદરગઢ નજીક બ્રાહ્મણી નદી પરના પુલ પરથી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે સ્થાનિક તરવૈયો દ્વારા નદીમાં શોધખોળ કરી મળતદેહને બહાર કાઢયો હતો.
વિગતો મુજબ મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામના અને હાલ હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ રુદ્ર ટાઉનશિપમાં પોતાની મમ્મી સાથે રહેતા હિમાનીબેન અશોકભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ૨૪ જે હળવદ તાલુકાના સાપકડા ગામે આવેલ સીએચસી સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, કોઈ અગમ્ય કારણોસર હિમાનીબેન એકટીવા બાઈક લઈ હળવદથી સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી નદીના પુલ પર પહોંચ્યા હતા અને એકટીવા બાઈક અને તેઓનું સ્પર્શ પુલ પર મૂકી નદીમાં છલાંગ લગાવી હતી. જેથી ત્યાંથી પસાર થતા લોકોને ધ્યાને આવતા તાત્કાલિક તરવૈયાઓનું ધ્યાન દોરી હિમાની બેન ને બહાર કાઢવામાં આવ્યા હતાં.
બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિમાનીબેન અને તેમના મમ્મી હળવદ ખાતે રહેતા હતા જ્યારે બાકીના પરિવારજનો ખેરાલુ ખાતે રહે છે. હિમાનીબેનને મગજની દવા ચાલતી હોય જેના કારણે પણ આત્મહત્યા કરી હોય તેવી શંકા સેવાઈ રહી છે જોકે આત્મહત્યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
