<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પોરબંદરના રાણાકંડોરણામાં ધોળે દિવસે ૧૯.૭૦ લાખની લૂંટ

વાડીના મકાનમાં ૬ અજાણ્‍યા શખ્‍સો ઘુસીને બાળકના ગળા ઉપર છરી રાખી અને ર મહિલાઓને મોઢે મુંગો દીધોઃ કબાટના તાળા તોડીને ર૭ તોલા સોનાના દાગીના અને ૮૦ હજારની રોકડ છીનવી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. રાણાકંડોરણામાં વાડીના મકાનમાં ધોળે દિવસે ૬ અજાણ્‍યા શખ્‍સો ઘુસી જઇને ત્‍યાં રમતા બાળકના ગળા ઉપર છરી રાખી પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને  કબાટના તાળા તોડી ર૭ તોલા સોનાના દાગીના અને ૮૦ હજાર રોકડ મળીને કુલ ૧૯.૭૦ લાખની લૂંટ કરી જતા ચકચાર જાગી છે.

રાણાકંડોરણામાં વાડીના મકાનમાં રહેતા કરશનભાઇ દેવાણંદભાઇ નંદાણીયાએ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં લૂંટની ફરીયાદ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે સાંજના સમયે વાડીએ મકાનમાં ૬ અજાણ્‍યા શખ્‍સો ઘુસી ગયેલ અને ત્‍યાં રમતા ૮ વર્ષના બાળકના ગળા ઉપર છરી રાખીને પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. અજાણ્‍યા લૂંટારાઓએ વાડીના મકાનમાં કબાટના  તાળા તોડી કબાટમાં રાખેલ સોનાના પેન્‍ડલ સેટ-૩, સોનાના ચેઇન નંગ-ર, સોનાની વીંટી નંગ ૪, સોનાની લકકી મળીને ર૭ તોલા સોનું કિ. રૂા. ૧૮,૯૦, ૦૦૦નું તેમજ ૮૦ હજારની રોકડ લૂંટી નાસી ગયેલ હતાં.

લૂંટારાઓ ઘરમાં ઘુસ્‍યા ત્‍યારે બે મહિલાઓના મોઢે મુંગો દઇ દીધો હતો. લૂંટની વધુ તપાસ રાણાવાવના પોલીસ સ્‍ટેશનના ઇન્‍સ્‍પેકટર એન. એન. તળાવીયા ચલાવી રહ્યા છે. (પ-૧ર)

(1:38 PM IST)