<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

''મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે '' કોળી સમાજને પરષોત્તમ સોલંકીની ભાવુક અપીલ

તેમણે દાવો કર્યો કે, તેઓ કોળી સમાજના કોઈ પણ વ્યક્તિને ક્યારેય દુઃખી કર્યા નથી અને કરશે પણ નહીં, પરંતુ જો કોઈ તેમને દુઃખી કરે, તો અમે છોડતાય નથી.

ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના અગ્રણી પરષોત્તમભાઈ સોલંકી ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, મારો સમાજ બહુ ગરીબ છે અને તેઓ જ્યાં જુએ છે ત્યાં સમાજને ખૂબ દુઃખી જુએ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેમનો પ્રયાસ છે કે તેમના સમાજનું કોઈ પણ ભાઈ-બહેન કે દીકરી દુઃખી ન થાય. પરષોત્તમભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેમના વિશે ભલે ઘણી વાતો થતી હોય, પણ તેઓ એવા નથી, અને જો કોઈ પણ તેમના સમાજ પર આંગળી ચીંધશે, તો પરષોત્તમભાઈ શું કરશે તે કોઈને ખબર નહીં પડે. તેમણે ઉમેર્યું કે, મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે અને જો સમાજ આ સમજે તો ઘણું છે. તેમણે ઉપરવાળા (ભગવાન) સમક્ષ પ્રાર્થના કરી કે તેમનો સમાજ ભલે ગરીબ હોય, પણ તે ક્યારેય દુઃખી ન થાય.

પરષોત્તમભાઈએ પોતાની કાર્યશૈલી અને સમાજ પ્રત્યેની નિષ્ઠા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે, તેઓ સમજે છે કે શા માટે કેટલાક લોકો તેમના વિશે બોલતા નથી, કારણ કે તેઓ તેમને પહોંચી વળવાના નથી. તેમણે દાવો કર્યો કે, તેઓ કોળી સમાજના કોઈ પણ વ્યક્તિને ક્યારેય દુઃખી કર્યા નથી અને કરશે પણ નહીં, પરંતુ જો કોઈ તેમને દુઃખી કરે, તો અમે છોડતાય નથી.

તેમણે એક કિસ્સો યાદ કરતા કહ્યું કે, જો કોઈ ભાવનગરમાં તેમના બંગલે આવે અને રડતા હોય, તો તેઓ તેમને બેસાડી, ચા પાણી પીવડાવીને કહે છે કે તમને માર્યા હોય તો તમે એને મારો અને પછી માર્યા આવજો, પછી તમને જે મદદ જોઈતી હોય તે પરષોત્તમ સોલંકી કરશે. તેમણે પોતાની નિષ્ઠા અને ઈમાનદારી પર ભાર મુકતા જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય અને મંત્રી હોવા છતાં, કોઈ બતાવી શકે કે તેમણે સમાજનો એક પણ રૂપિયો લીધો હોય. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઈને કહેતા નથી, પણ જ્યારે સમય આવે ત્યારે ઉભા રહી જાય છે.

પરષોત્તમભાઈ સોલંકીએ સમાજના ભવિષ્ય અને વિકાસ અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે, તેમના પુત્ર દિવ્યેશ દ્વારા શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી સમાજના યુવાનો અને દીકરીઓ ભણી શકે. તેમનો ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભાવનગરમાં સમાજની એક મોટી તાકાત ઊભી થાય અને સમાજની એકતા વધે. તેમણે કહ્યું કે, તેમને પૈસાની કોઈ લાલચ નથી અને તેઓ જે કંઈ કરે છે તે સમાજની પ્રગતિ માટે કરે છે. તેમણે વડોદરાના એક કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં તેમને તલવારો ભેટમાં અપાઈ હતી, અને તેમણે કહ્યું કે તેઓ તેનો ઉપયોગ પણ જાણે છે. અંતે, તેમણે ભગવાન અને માતાજી સમક્ષ પ્રાર્થના કરી કે આખો કોળી સમાજ ખૂબ આગળ વધે, બધાને ધરતી કરા આપે (સમૃદ્ધિ આપે), દીર્ઘાયુષ્ય આપે, અને તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સમાજની જેટલી બને તેટલી સેવા કરે.

(7:26 PM IST)