<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભારત પાકિસ્તાન સરહદે ફરી ભૂકંપનો આંચકો: પાકિસ્તાનના નગરપારકરમાં કેન્દ્ર બિંદુ સાથે કચ્છમાં ધરતી ધ્રુજી

કચ્છમાં ૮ દિમાં ૪ આંચકા, ઈસ.૧૮૧૯,૧૯૫૬ અને હાલના ૨૦૦૧ ના ભૂકંપ ફોલ્ટ વિસ્તારમાં હજીયે ધરતીમાં સળવળાટ ચાલુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  સમય ચક્ર મુજબ મંગળવારની પ્રારંભે અને વ્યવહારિક રીતે સોમવારે રાત્રે ૧૨.૧૧ વાગ્યે ભારત પાક સરહદે ૩.૭ ના ભૂકંપના આંચકો આવ્યો હતો. 

      ગાંધીનગર સિસ્મોલોજી કચેરીની સત્તાવાર યાદી અનુસાર ખાવડાથી ઉત્તર પશ્ચિમ દિશાએ ૪૦ કિમી દૂર એનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. 

      જોકે, આ આંચકા અંગે કચ્છના જાણીતા ભૂસ્તર શાસ્ત્રી અને ભૂકંપ અંગે ઊંડું સંશોધન કરનાર કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ગૌરવ ચૌહાણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આમ આ કંપનનું કેન્દ્ર બિંદુ ભારત પાક સરહદે નગરપારકર પાસે નોંધાયું છે. પરંતુ જીઓલોજિકલ દ્રષ્ટિએ તેનું કેન્દ્ર બિંદુ કચ્છ બેઝીનમાં ગણી શકાય. 

      કચ્છના આ ફોલ્ટને ધ્યાને લઈ જૂના ભૂકંપ ૧૮૧૯, ૧૯૫૬ અને ૨૦૦૧ ની વાત કરીએ તો હજી નગરપારકર ફોલ્ટ સક્રિય છે તેની સાથે અન્ય ફોલ્ટ કચ્છ મેઈન ફોલ્ટ, અલ્લાહબંધ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ પણ કચ્છમાં સક્રિય છે. છેલ્લા એક અઠવાડિયામાં ગોરા ડુંગર ફોલ્ટ લાઈનમાં ૨ આંચકા સાથે કચ્છમાં ૪ કંપન અનુભવાયા છે.

(9:20 AM IST)