News of Wednesday, 30th July 2025
દારૂનો નશો કર્યા બાદ દિપક ભાન ભુલ્યોઃ ઝેર પી લેતાં જીવ ગયો
ગોંડલના બંધીયા ગામનો બનાવઃ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં યુવાનના મોતથી ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: મુળ મધ્યપ્રદેશના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: દારૂનો નશો કર્યા બાદ ભાન ભુલી જનારા ઘણીવાર મુશીબત નોતરી લેતાં હોય છે. તાજેતરમાં એક બનાવમાં દારૂ પીધા બાદ પત્નિને માર મારી ઘરમાંથી કાઢી મુક્યા બાદ પતિને પસ્તાવો થતાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. ત્યાં હવે એક બનાવમાં એક મજૂર યુવાન ચિક્કાર દારૂ પીધા બાદ ભાન ભુલી જતાં ઝેરી દવા પી ગયો હતો. આ કારણે તેનો જીવ નીકળી ગયો હતો. આ બનાવથી ત્રણ માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલના બંધીયા ગામે આવેલી રાજેશભાઇની વાડી પાસે રહી ખેત મજૂરી કરતો દિપકભાઇ કૈલાસભાઇ મુલેવા (ઉ.વ.૨૪) નામનો યુવાન સાંજે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોડી રાતે મોત થઇ ગયું હતું.
હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પરેશભાઇ, ધર્મેશભાઇ, અને ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિપકભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. તે ભાઇ, પત્નિ, બાળકો સાથે એકાદ મહિનાથી બંધીયા ગામે ખેત મજૂરી કરતો હતો. તેના ભાઇના કહેવા મુજબ દિપકને દારૂ પીવાની આદત હોઇ ગઇકાલે ચિક્કાર દારૂ પી ગયા પછી ભાન ભુલી ગયો હતો અને ઝેરી દવા માથે પી લીધી હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન મધ્યપ્રદેશ લઇ જવામાં આવ્યો હતો. (૧૪.૫)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
