News of Wednesday, 30th July 2025
ધ્રોલમાં જન્માષ્ટમીએ હિન્દુસેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજનઃ તંત્રને રજૂઆત
શોભાયાત્રાના રૂટ પરના વીજ વાયરો ઉંચા લેવા અને રસ્તાઓની મરામત માટે પાલિકા અને વીજ કંપનીને કરાયું આહ્વાનઃ તહેવારના સુચારુ આયોજન માટે હિન્દુસેના દ્વારા તંત્રને સતર્ક રહેવા અપીલ

(સંજય ડાંગર ધ્રોલ) ધ્રોલ, તા.૩૦: ધ્રોલ આગામી તારીખ ૧૬ ઓગસ્ટ, ૨૦૨૫ ને શનિવારના રોજ સમગ્ર દેશમાં જન્માષ્ટમીના મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, ત્યારે ધ્રોલ શહેરમાં પણ આ પર્વને લઈને હિન્દુસેના દ્વારા એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને તેના સુચારુ સંચાલન માટે સ્થાનિક પ્રશાસનને લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે.
હિન્દુસેના ધ્રોલના શહેર પ્રમુખ, ગૌરવભાઈ મહેતાએ જણાવ્યું કે, જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન કળષ્ણના જન્મોત્સવને વધાવવા માટે ધ્રોલ શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાશે અને ભગવાન કળષ્ણનો સુશોભિત રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.
શોભાયાત્રાના આયોજનને અનુલક્ષીને, હિન્દુસેના દ્વારા બે મુખ્ય સરકારી વિભાગોને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. પ્રથમ રજૂઆત પી.જી.વી.સી.એલ. કચેરી, ધોલ ટાઉન, જીલ્લો જામનગરને કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શોભાયાત્રામાં સામેલ થનાર ભગવાન કળષ્ણના રથની ઉંચાઈ અંદાજે ૧૨ ફૂટ જેટલી રાખવામાં આવી છે. શોભાયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે, તે માર્ગો પર આવતા વીજળીના તાર નીચે હોવાને કારણે કોઈ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે તમામ વીજ વાયરોને ૧૨ ફૂટથી વધુ ઉંચાઈ પર લેવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી શોભાયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે અને કોઈપણ પ્રકારનું વીજ જોખમ ઉભું ન થાય.
આ ઉપરાંત, બીજી રજૂઆત ધ્રોલ નગરપાલિકા, જીલ્લો જામનગરને કરવામાં આવી છે. નગરપાલિકાને પાઠવેલા પત્રમાં શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર યોગ્ય સફાઈ કરાવવા તેમજ માર્ગમાં આવતા ખાડા-ટેકરા અને ઉબડખાબડ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવા માટે નમ્ર અરજ કરવામાં આવી છે, જેથી શોભાયાત્રામાં જોડાનાર હજારો શ્રદ્ધાળુઓ અને રથને પસાર થવામાં કોઈ મુશ્કેલી ન પડે.
આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન શહેરની મધ્યમાં આવેલી હવેલી ખાતેથી થશે. ત્યાંથી શોભાયાત્રા ફુલવાડી રોડ થઈને વાણીયા ચોકપહોંચશે. ત્યારબાદ મોચીબજાર, મેઈન બજારમાંથી પસાર થઈ ગાંધીચોકખાતે આવશે. અહીંથી આગળ વધીને એસ.બી.આઈ. રોડ પરથી જોડીયા ગેટ અને ચારચોકથઈને અંતે મોરબીના નાકે તેનું સમાપન કરવામાં આવશે.
હિન્દુસેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે કે, જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરનું સમગ્ર પ્રશાસન, જેમાં વીજ કંપની અને નગરપાલિકાનો સમાવેશ થાય છે, તે સતર્ક રહે અને શોભાયાત્રાના સફળ આયોજન માટે સંપૂર્ણ સહયોગ આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક ઉજવાય તે માટે સૌના સહકારની અપેક્ષા છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
