<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કોડીનારના છાછર ગામે હડકાયા શ્‍વાનનો આતંક : ૧૫થી વધુ લોકો ભોગ બન્‍યા

 

કોડીનાર, તા.૩૦: કોડીનાર તાલુકાના છાછર ગામમાં એક હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. આ શ્વાને છેલ્લા થોડા સમયમાં ૧૨થી ૧૫થી વધુ લોકોને બચકા ભર્યા હોવાના અહેવાલ છે,

પીડિતોને તાત્‍કાલિક કોડીનાર સરકારી હોસ્‍પિટલ, ઘાંટવડ સી.એચ.સી. કેન્‍દ્ર અને રા.ના.વાળા હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે આ શ્વાન હડકાયો થયો છે.

ગામ લોકોના જણાવ્‍યા અનુસાર, થોડા સમય પહેલા એક રખડુ નંદી (આખલો) હડકાયો થયો હતો, જેનો ચેપ એક શ્વાનને લાગ્‍યો હતો અને ત્‍યારબાદ તે બંનેના મોત થયા હતા. હવે વધુ એક શ્વાન હડકાયો બનતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

શ્વાનના આતંકને કારણે ગામમાં દહેશત વ્‍યાપી ગઈ છે. ગામના યુવાનો દ્વારા હડકાયા શ્વાનને ગામથી દૂર ભગાડવા માટે લાકડીઓ અને દંડા લઈને તેની પાછળ દોડતા દ્રશ્‍યો પણ સામે આવ્‍યા છે. યુવાનો આ શ્વાનને ગામથી દૂર ભગાડવાની કવાયત કરી રહ્યા છે.

આ ઘટનાથી પરેશાન થયેલા ગ્રામજનો પ્રશાસન સમક્ષ આ હડકાયા શ્વાનના આતંકમાંથી ગામને મુક્‍ત કરાવવા માટે અપીલ કરી રહ્યા છે.

(11:38 AM IST)