News of Wednesday, 30th July 2025
ખંભાળીયામાં ટ્રેઇલરે અનેક વૃક્ષો અને વિજ વાયર તોડયા
ર દિવસથી હેવી વિજ ઉપકરણો લઇને નીકળતા ટ્રેઇલરથી લોકો હેરાનઃ વિજ પુરવઠો પણ બંધ થઇ જતા લોકોના ટોળા ઉમટયા

ખંભાળીયામાં રામનગર તથા રામનાથ વિસ્તારમાં હેવી વીજ ઉપકરણો લઇને જતા ટ્રક દ્વારા બે દિવસમાં ઢગલાબંધ વૃક્ષો અને વાયરો તોડયા હતાં. તે નજરે પડે છે.
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. ખંભાળીયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બે દિવસથી હેવી વીજ ઉપકરણો ટ્રાંસફોર્મરો લઇને નીકળતા ટ્રેઇલર ટ્રક દ્વારા ત્રાસ વર્તાવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. તથા અનેક જગ્યાએ વૃક્ષોનો સોથ વળી ગયો હતો તથા વીજ વાયરો તુટયા હતાં.
આગલા દિવસે રામનગર તથા ગુંદમોરા વિસ્તારમાં ૧પ૦ ટનથી વધુ વજનના હેવી વીજ ઉપકરણો લઇને નીકળેલા ટ્રેલર ટ્રકે અનેક સ્થળે વૃક્ષો તોડી પાડયા હતાં. તો અનેક સ્થળે વૃક્ષોની મોટી ડાળો તુટી ગઇ હતી. તો એક-બે મોટા જુના વૃક્ષ પણ ધરાશાયી થયા હતા. તથા વીજ વાયરો આ ઉંચા ટ્રેલરમાંથી નીકળતા ફસાઇને તુટી જતાં વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયેલ હતો તથા લોકો પરેશાન થઇ ગયા હતાં.
કાલે રાત્રે એકાદ વાગ્યે આવું જ ટ્રેલર ફરીથી પોરબંદર રોડ પરથી ખંભાળીયા રામનાથ વિસ્તારમાં નિકળતા ફરી અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો તથા વીજ વાયરો તુટતા રાત્રે કલાકો સુધી વીજ પુરવઠો બંધ થતાં લોકોના ટોળા ઉમટયા હતા. તથા રાત્રે કાર્ય ઇજનેર તથા ડે. ઇજનેરને પણ લોકોએ જગણડયા હતાં.
ગંભીર અકસ્માત રહી ગયા
સતત બે દિવસ હેવી ઉપકરણોની ૧૧ કેવીની મેઇન લાઇનો પણ તોડી નાખી હતી. સદભાગ્યે મોટો અકસ્માત થયો નહી.૧૧ કેવીની જીવંત વીજ લાઇનો તુટતા ધડાકા સામે ભડાકા સાથે વાયરો તુટયા હતા.સદભાગ્યે રાત્રીનો સમય હોય લોકો બહાર ના હોય મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી.
પગલા લેવાની માંગ
સતત બે દિવસથી નીકળતા આ ટ્રેલરના ત્રાસ તથા વૃક્ષોને પર્યાવરણને થયેલ નુકશાન અંગે તથા લોકોને થયેલ પરેશાની વીજ પુરવઠો કલાકો જવો લોકોને ગરમીમાં રાત્રી જાગરણ થવુ વિ. મુદાઓને ધ્યાને લઇ કડક કાર્યવાહી જવાબદારો સામે કરવા પણ માંગ કરાઇ છે તથા વહીવટી તંત્રને ફરીયાદ કરાઇ છે. (પ-૧૬)
: કિંજલ કારસરીયા -જામનગર
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
