તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
પોરબંદરમાં ACB ની સફળ ટ્રેપ : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાયબ પર્યાવરણ ઇજનેર ₹૧.૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા!
સુદામા ડેરીના પ્લાન્ટમાં ખામીઓ ન કાઢવા માટે દર મહિને ₹૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરતા અધિકારી રાજેશ ચૌહાણ ACB ના છટકામાં ફસાયા : જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ACB એ કાર્યવાહી કરી

પરેશ પારેખ દ્વારા, પોરબંદર, તા. ૩૦ જુલાઈ, ૨૦૨૫: પોરબંદરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ઓફિસ ખાતે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવી, લાંચ લેતા નાયબ પર્યાવરણ ઇજનેરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. રાજેશભાઈ વિઠલભાઈ ચૌહાણ, ઉંમર ૫૫, નાયબ પર્યાવરણ ઇજનેર, વર્ગ-૨, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, માધવાણી કોલેજની સામે, પોરબંદર, નામના આરોપીએ સુદામા ડેરી પાસેથી ₹૧.૨૫ લાખની લાંચની માંગણી કરી હતી, જે તેઓએ સ્વીકારતા જ ACB ના હાથે ઝડપાઈ ગયા હતા.
ગુનાની વિગત: ડેરી પ્લાન્ટ બંધ કરવાની ધમકી આપી લાંચ માંગી
આ કેસના ફરિયાદી, એક જાગૃત નાગરિક છે, જેમણે ACB નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આરોપી રાજેશ ચૌહાણે ફરિયાદી પાસે સુદામા ડેરી ખાતેના પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે દર મહિને ₹૨૫,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે તેવી માંગણી કરી હતી. જો લાંચ ન આપવામાં આવે તો, આરોપીએ ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ રીતે, પાંચ મહિનાના કુલ ₹૧,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આરોપીને આપવા માંગતા ન હોવાથી, તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો અને આ અંગે ફરિયાદ આપી.
ACB ની સફળ કાર્યવાહી અને લાંચની રકમ રીકવર:
ફરિયાદને આધારે, પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.કે.ગમાર અને એ.સી.બી. સ્ટાફ દ્વારા ગુનાના સ્થળ – ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ, માધવાણી કોલેજની સામે, પોરબંદર – ખાતે છટકું ગોઠવવામાં આવ્યું. છટકા દરમિયાન, ફરિયાદીએ આરોપી રાજેશ ચૌહાણ સાથે હેતુલક્ષી વાતચીત કરી, અને આરોપીએ લાંચની રકમ ₹૧,૨૫,૦૦૦/- સ્વીકારી. લાંચ સ્વીકારતા જ આરોપીને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો અને ગુનો નોંધવામાં આવ્યો. લાંચની સ્વીકારેલ અને રીકવર કરાયેલ સંપૂર્ણ રકમ ₹૧,૨૫,૦૦૦/- છે.
આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન શ્રી બી.એમ.પટેલ, I/C મદદનીશ નિયામક, એ.સી.બી. જુનાગઢ એકમ, જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ ટ્રેપ દ્વારા ભ્રષ્ટાચારને ડામવા માટે ACB ની કટિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
