News of Thursday, 31st July 2025
ભવનાથ મંદિરમાં સરકારી શાસનઃ વહીવટદારની નિમણૂક
મહંત હરીગીરીની મુદત પૂરી થતાં નિર્ણય, પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરમાં આજથી સરકારી શાસન આવ્યું છે. વર્તમાન મહંત હરીગીરીની મુદત પૂરી થતાં ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસનનો નિર્ણય લેવાયો છે અને જેના ભાગરૂપે વહીવટદાર તરીકે કલેક્ટર અનિલ રાણાવસીયાએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે અને આજે તેઓ ચાર્જ સંભાળશે.
ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુની મુદત આજે ૩૧ પૂર્ણ થતી હોય નવા મહંતની નિમણૂંકની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી.
ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે જિલ્લા કલેકટરે બે વર્ષ પહેલા હરીગીરીને નિમણૂક કરી હતી. અનેક વિવાદો બાદ આજે આ મુદ્દત પૂર્ણ થતી હોવાથી વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરવાનો નિર્ણય લેવાયો છે. અને તેઓ આજે વહીવટદાર તરીકે ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ સંભાળી લેશે.
ભવનાથ મંદિરના મહંત પદને લઈને છેલ્લા ઘણા સમયથી લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી હતી. (પ-૮)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
