<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

શ્રમિકોને કૂવામાં ઉતારી સૂરંગ બનાવી કાર્બોસેલ બહાર કાઢતો'તોઃ ૩૮ મજૂરનું રેસ્‍કયુ

મુળીના ધોળીયા ગામે ચોટીલા પ્રાંતની ટીમ ત્રાટકીઃ ૪ ટ્રેકટર, ૬ ચરખી, ૭ કૂવાનો ખનીજ સહિત ૩૬ લાખનો મુદામાલ જપ્‍ત

(ફલક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૧: મુળીના ધોળીયામાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની તપાસમાં શ્રમિકોને કૂવામાં તારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો. તંત્રની ટીમે ૩૮ મજૂરને કૂવામાંથી રેસ્‍કયૂ કરી બહાર કાઢી ૪-ટ્રેકટર, ૬-ચરખી, સાત કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત રૂા.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ધોળીયા ગામના સરકારી સર્વે નંબરની જમીનમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાની ચોક્ક બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદારની સંયુક્‍ત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ સાત કૂવા ઝડપી પાડવામાં આવ્‍યા હતા અને સ્‍થળ પરથી ૪-ટ્રેકટર, ૧-કંમ્‍પ્રેસર, ૬-ચરખી સહિત કુલ રૂા.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને મુળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. ઝડપાયેલા કૂવાઓ પૈકી ચાર કૂવામાંથી ૩૮ જેટલા મજૂરને પણ સહિ સલામત બહાર કાઢી રેસ્‍કયૂ કરવામાં આવ્‍યા હતા. તંત્રની ગેરકાયદેસર કૂવાઓમાંથી કાર્બોસેલનું ખનન કરનાર ત્રણ ખનન માફિયા સામે કાર્યવાહી હાથ ધરી છે.

 નાયબ કલેકટરની ટીમે મંગળવારે રાત્રે ધોળીયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનન અંગે દરોડા કર્યા હતા.

સુરેન્‍દ્રનગર જિલ્લાના થાન અને મૂળી તાલુકાના પેટાળમાં અખુટ કાર્બોસેલ સંઘરાયેલુ છે. ત્‍યારે ૬ માસ કરતા વધુ સમયથી તંત્રની તવાઈ હોવા છતાં ખાસ કરીને રાતના સમયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યુ છે. ત્‍યારે એચ.ટી.મકવાણા, મુળી મામલતદાર આર.ડી.પટેલની સંયુકત ટીમોએ મંગળવારે મોડી રાત્રે રેડ કરી હતી. તપાસમાં આ કુવાઓ અમકુ થરેશા, પલાસાનો સુનીલ હનાભાઈ કુચડીયા અને ભરત ગોવિંદભાઈ સારલા ચલાવતા હોવાનું સામે આવતા તમામ સામે ગુજરાત લેન્‍ડ ગ્રેબીંગ એકટ તથા ધી ગુજરાત મીનરલ (પ્રીવેન્‍શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ રૂલ્‍સ, ૨૦૧૭ના નીયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં સતત દરોડા પાડવાની કાર્યવાહી છતાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી.

કૂવાની અંદરથી મિની ટ્રેક્‍ટર ઝડપાયું

દરમ્‍યાન એક કૂવાની અંદર ખોદવામાં આવેલા સુરંગમા તપાસ કરતા તેની અંદરથી મીની ટ્રેકટર દ્વારા ખનન થતું હોવાનું જણાઈ આવ્‍યું હતું અને મીની ટ્રેકટર સહિતનો મુદ્દામાલ પણ કબ્‍જે કરવામાં આવ્‍યો હતો.

(11:02 AM IST)