News of Thursday, 31st July 2025
ઝીંઝુડા દર્શને જતી વેળા બાઇકને રિક્ષાએ ઠોકર મારતા રાજકોટના
આણંદપુરની મહિલાનું મોત : સુરેન્દ્રનગર જીલ્લામાં ત્રણ અકસ્માત : બે ના મોત : ચુડાના કોટડા ગામના માત્ર પર્પઝ હેલ્થ વર્કરને કારે ઠોકર મારતા એકટીવા સાથે ગટરમાં પટકાયા : પગ કાપવો પડયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩૧ : ધ્રાંગધ્રા-હળવદ હાઈવે, ચોટીલા નેશનલ હાઈવે અને ચુડા-ચોકડી રોડ પર અકસ્માતના ૩ બનાવ સામે આવ્યા છે. જેમાં ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી પાસે ૨ બાઈક અથડાતા ૧નું મોત થયુ છે, બાઈક પર જતા માતા-પુત્રને રિક્ષાએ ટક્કર મારતા માતાનું મોત થયુ છે. આ ઉપરાંત ચુડા-ચોકડી રોડ પર એકટીવા લઈને જતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને કારે ઠોકર મારતા તેઓને સારવારમાં પગ કપાવવો પડયો છે.
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે ૨ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ધ્રાંગધ્રાના અશોકભાઈ ભરતભાઈ પરમાર બાઈક લઈને હળવદથી ધ્રાંગધ્રા તરફ આવતા હતા. જયારે ચુલીના મેહુલભાઈ જયંતીભાઈ પલાણી બાઈક પર ધ્રાંગધ્રાથી ચુલી તરફ જતા હતા. ત્યારે બન્ને બાઈક ધડાકાભેર એક સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં અશોકભાઈ ભરતભાઈ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે મેહુલભાઈ પલાણીને ઈજાઓ પહોંચતા દવાખાને લઈ જવાયા હતા.
રાજકોટ જિલ્લાના આણંદપુરમાં રહેતા ૨૯ વર્ષીય દેવરાજભાઈ રાજુભાઈ રાઠોડ વેબસાઈટ પેજ ડીઝાઈનનું કામ કરે છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોઈ તેઓ તેમની માતા કનુબેન સાથે બાઈક લઈને ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે આવેલ ઠાંગનાથ મહાદેવના દર્શને જતા હતા. જેમાં મોટી મોલડી ગામની સીમમાં સોનલકળપા હોટલ પાસે પાછળથી એક રિક્ષા ચાલકે મારી હતી. જેમાં બાઈક સહિત માતા-પુત્ર નીચે પટકાયા હતા. જયારે રિક્ષા પણ પલટી મારી ગઈ હતી. આ બનાવમાં કનુબેનને માથામાં ઈજા થતા સારવાર માટે ૧૦૮ દ્વારા ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા ડોકટરોએ તેમને મળત જાહેર કર્યા હતા. બનાવની નાની મોલડી પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચી જે.જે.જીડીયા ચલાવી રહ્યા છે.
ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા ૩૦ વર્ષીય કીરણભાઈ છેલાભાઈ સરવૈયા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. તેઓ એકટીવા લઈને વઢવાણ કામ અર્થે ગયા હતા. જયાંથી પરત ફરતા સમયે ચુડાથી ચોકડી તરફ જવાના કેનાલના રસ્તે તેઓ પસાર થતા હતા. ત્યારે પાછળથી કારે એકટીવાને પાછળથી ઠોકર મારી હતી. જેમાં એકટીવા સહિત કીરણભાઈ રોડની સાઈડમાં આવેલ ગટરમાં પટકાયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં કીરણભાઈને સારવાર માટે અમદાવાદ લઈ જવાતા તેમણો જમણો પગ નળાથી નીચેના ભાગનો ઓપરેશન કરી કાપવો પડયો હતો. આ અંગે અજાણ્યા કાર ચાલક સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ જયદીપસીંહ ઝાલા ચલાવી રહ્યા છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
