News of Sunday, 3rd August 2025
ટંકારા-જામનગરને જોડતા આજી રિવર બ્રિજની બિસ્માર હાલત : પાટીદાર અગ્રણીએ ગંભીર આક્ષેપો સાથે ત્વરિત સમારકામની માંગ કરી
આજી રિવર બ્રિજ જર્જરિત હાલતમાં, છતાં તંત્ર 'સબ સલામત'નો રાગ આલાપે : પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ બેદરકારી સામે લાલ આંખ કરી, મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત

(જયેશ ભટાસણા દ્વારા), ટંકારા : ટંકારા અને જામનગરને જોડતા બંગાવડીના પાટિયા પાસે આવેલો આજી રિવર બ્રિજ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પુલના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા હોવા છતાં, સ્થાનિક તંત્ર અને નિરીક્ષણ માટે આવેલી એન્જિનિયરોની ટીમે તેને "સબ સલામત" જાહેર કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ સ્થળ પર પહોંચીને પુલની ખરાબ સ્થિતિ અંગે તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક પગલાં લેવા માટે રજૂઆત કરી છે.
મહેશ રાજકોટિયાએ જણાવ્યું કે આજી રિવર બ્રિજ ટંકારા અને જામનગરને જોડતો એક ખૂબ જ મહત્વનો રસ્તો છે, પરંતુ તેનું માળખું અત્યંત જર્જરિત થઈ ગયું છે. પુલના રોડ પર ખાડા પડ્યા છે, પોપડા ખરી રહ્યા છે, અને સળિયા ખુલ્લા થઈ ગયા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તેમણે આક્ષેપ કર્યો કે તંત્રના અધિકારીઓ અને એન્જિનિયરોએ આ પુલની મુલાકાત લીધી હોવા છતાં, તેની ખામીઓને જાણીજોઈને અવગણી છે. આ સાથે તેમણે તંત્રને તાત્કાલિક ફરીથી નિરીક્ષણ કરાવી, જરૂરી સમારકામ અને સુરક્ષાના પગલાં ભરવા માટે માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, માળિયા નજીકના પુલ પર મોટા વાહનો માટે પ્રતિબંધ મૂકીને જિલ્લા કલેક્ટરે ટંકારા-આમરણ ડ્રાઈવટ પરથી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો છે, જેના કારણે આજી રિવર બ્રિજ પરનો ભાર વધ્યો છે. જોકે, આ પુલની ખરાબ હાલત હોવા છતાં, તેના સમારકામ માટે કોઈ ગંભીરતાથી પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
