<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

ભાવનગર-ર, શિહોર-ઘોઘામાં પોણો ઇંચઃ તાલાલામાં ધોધમાર વરસ્‍યો

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયા વાતાવરણ સાથે વરસતો હળવો-ભારે વરસાદ

રાજકોટ, તા. ૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

ભાવનગરમાં ર ઇંચ, શિહોર-ઘોઘામાં પોણો ઇંચ, સવારે દ્વારકામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં ધોધમાર વરસાદ પડયો હતો અને તાલાલામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે સવારે કલ્‍યાણપુરમાં ૩, સાવરકુંડલામાં ૩ મી.મી. વડિયા, કુંકાવાવમાં ૯ મી.મી. વરસાદ પડયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડયો છે. ગઈકાલે બપોર બાદ ભાવનગર શહેરમાં બે ઇંચ અને શિહોર અને ઘોઘા માં પોણો ઇંચ વરસાદ પડયો છે.

ગોહિલવાડ પંથકમાં  લાંબા વિરામ બાદ વરસાદ પડયો છે.

ગઈકાલે બપોરે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ પડ્‍યો હતો ત્‍યારે ઘોઘા અને શિહોરમાં પણ વરસાદ પડયો છે.

આજે સવારે છ વાગ્‍યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૫૦ મી.મી., ઉમરાળામાં ૨ મી.મી., ઘોઘા માં ૧૭ મી.મી., સિહોરમાં ૧૧ મી.મી. અને પાલીતાણામાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારથી મેઘરાજાએ આળસ મરડતા ગિરનાર, જુનાગઢ સહિત સોરઠમાં સવારથી ધીમે ધારે વરસાદ  શરૂ થયો છે. છેલ્લા ૧૪ દિવસથી મેઘરાજાએ આરામ ફરમાવ્‍યો હતો આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મેઘરાજાએ ફરીથી પધરામણી કરતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી વ્‍યાપી ગઈ છે.

જુનાગઢ શહેરમાં રવિવારે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસાવ્‍યા બાદ ફરી આજે સવારથી મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી હતી. સવારે પ્રારંભિક બે કલાકમાં જૂનાગઢ ખાતે ૧ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું. આ પછી પણ ઝાપટા શરૂ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢની સાથે સાથે સવારે ૮ વાગ્‍યે ગિરનાર પર્વત પર પણ મેઘ સવારી આવી પહોંચી હતી. ૧૦ મીમી વરસાદ વરસ્‍યો હતો. ગિરનાર પર વરસાદથી યાત્રા એ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો પલળી ગયા હતા. જુનાગઢ જિલ્લાના મેંદરડા, માળીયા, વંથલી અને કેશોદ તાલુકામાં પણ મેઘરાજાએ મંડાણ કરતા બરાબરનો વરસાદી માહોલ જામ્‍યો છે.(૬.૧ર)

(11:02 AM IST)