<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

અમદાવાદની ૬ વર્ષની એન્‍જલ નાથબાવા દ્વારકાની દંડવત યાત્રાએ

રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવતા અલ્‍પેશભાઇ અને અનિતાબેનની પુત્રીને શ્રી દ્વારકાધીશ ભગવાન પ્રત્‍યે અપાર શ્રધ્‍ધાઃ જન્‍માષ્‍ટમીએ દ્વારકા પહોંચશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૪: જન્‍માષ્ટમીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્‍યારે દ્વારકા તરફ ભક્‍તોનો પ્રવાહ અવિરત આવતો હોય છે તેવા સમયે છેલ્લા ૪૫ - ૫૦ દિવસ આસપાસ થી અમદાવાદ ખાતેથી માત્ર છ વર્ષની એન્‍જલ શ્રદ્ધા સાથે દંડવત યાત્રાએ નીકળી છે. અમદાવાદના વિરાટ નગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અલ્‍પેશભાઈ નાથબાવા અને અનિતાબેનની બે દીકરીઓ છે જેમાં સૌથી મોટી દીકરી એન્‍જલ માત્ર ૬ વર્ષની છે. અને તેમને એક વિચાર વ્‍યક્‍ત કર્યો કે મારે દંડવત કરતા દ્વારકા જવું છે. દ્વારકા દંડવત કરવા જવાના માત્ર છ વર્ષની એન્‍જલના વિચારને તેમની માતા અને પિતાએ સહર્ષ સ્‍વીકારી સાડા ત્રણ વર્ષની પ્રેમની નાની દિકરી માન્‍યતા અને સમગ્ર પરિવાર તેમની સાથે નીકળી પડ્‍યા અને છેલ્લા ૪૫થી વધુ દિવસો થયાને  તેઓ દ્વારકા તરફના હાઇવે પર એક રિક્ષામાં તેમનો માલ સામાન ભરી નીકળી પડ્‍યા છે. માત્ર ૬ વર્ષની દીકરી આસ્‍થા સાથે દંડવત કરતા રસ્‍તા પર જય દ્વારકાધીશ કહી દ્વારકા તરફ પ્રયાણ કરતી જોઈ સૌ કોઈ તેમની સાથે જોડાઈ રહ્યા છે અને તેમનો જુસ્‍સો પણ વધારી રહ્યા છે. 

છેલ્લા ૪૫ - ૫૦ દિવસ આસપાસ થી કોઈ પ્રકારનું શેડ્‍યુલ નહીં અને જ્‍યાં બાળકીની ઈચ્‍છા થાય ત્‍યારથી આગળ વધવાનું શરૂ અને જય દ્વારકાધીશ નો નાદ... આજ નિત્‍યક્રમ સાથે જન્‍માષ્ટમી સુધીમાં એન્‍જલ દંડવત કરતા દ્વારકાના દ્વારે પહોંચવાની હામ લઈને નીકળી છે. ત્‍યારે માત્ર છ વર્ષની એન્‍જલે પુરવાર કર્યું છે કે શ્રદ્ધા અને હોસલો હોય તો અઘરું કામ પણ સહેલું બની જાય... અને સાથે ભગવાન દ્વારકાધીશનું નામ હોય તો બીજું જોય શું..? (ફોટો સ્‍ટોરીઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:41 PM IST)