News of Monday, 4th August 2025
શ્રી સર્વ સેવા સંઘ સરકારી તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તા.માં ૧૫૦ પેરા ટીચરોની હંગામી નિયુક્તિ કરશે
સ્થાનિક ઉમેદવારોને પ્રથમ પસંદગી, બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે, સરકારી ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તે દરમ્યાન પ્રથમ સત્ર સુધી નિયુક્તિ, પ્રત્યેક હંગામી પેરા ટીચરને પ્રતિ માસ ૯ હજાર રૂપિયા માનદ વેતન તરીકે સંસ્થા ચૂકવશે

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં “જ્ઞાન જ્યોતિ યોજના” હેઠળ શૈક્ષણિક અભિયાન હાથ ધરાયું છે. આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને તેમના દિવંગત પિતા તારાચંદભાઈ છેડાએ મહાજન પરંપરાને જીવંત રાખી સરકાર અને વહીવટી તંત્ર સાથે મળી હંમેશા લોક ઉપયોગી કાર્યો કર્યા હતા. તેમના નિધન બાદ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ સાથે મળી પોતે પણ એ જ સેવાકીય પથ ઉપર આગળ વધવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વરસાદ ખેંચાયો ત્યારે મૂંગા પશુઓ માટે નીરણ કેન્દ્રો, અતિવૃષ્ટિ વાવાઝોડાના સમયે ફૂડ પેકેટ, મુન્દ્રા તા.ના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન હેઠળ ગામ સફાઈના કાર્યો તેમણે સફળતાપૂર્ણ કર્યા છે. હાલમાં જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના આ સમયગાળામાં સરકાર અને તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિયુક્તિ સંસ્થાના ખર્ચે કરવાનો નિર્ણય કરાયો છે. સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાશે એવું કહેતા શ્રી છેડાએ ઉમેર્યું હતું કે, આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. વિગતવાર માહિતી આપતા સંસ્થાના મંત્રી મુકેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, “જ્ઞાન જ્યોતિ યોજના” પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે હાલ પ્રથમ સત્ર સુધી જ ૧૫૦ શિક્ષકોની નિયુક્તિ કરાશે. તદ્દન હંગામી ધોરણે જ કરાર આધારિત આ નિયુક્તિ હશે પેરા ટીચરને માસિક ૯ હજાર નું માનદ વેતન અપાશે. ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત સરકારી ધારાધોરણ મુજબ હશે એમને નિયુક્તિમાં અગ્રતા અપાશે જો આવા ઉમેદવાર નહીં મળે તો ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરાશે. નિયુક્તિ અને ફરજ બાબતે અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે.
આ બાબતે મુળજીભાઇ મીંઢાણી અને ભાવેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે કચ્છ ની શાળાઓમાં શિક્ષકોની ધટ છે જેના કારણે શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડી રહી છે ત્યારે શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય ખોરવાય નહિ અને વિધાર્થીઓના ભવિષ્ય ઉપર કોઈ અસર ન પડે તે માટે વિધાર્થીઓ ના હિતમાં શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ ના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા ના માર્ગદર્શન હેઠળ આ યોજના હેઠળ ગામના જ શિક્ષિત યુવાનો અને યુવતીઓ આગળ આવી આ યોજના હેઠળ ગામના વિધાર્થીઓ ને શિક્ષણ આપી શિક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકશે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
