News of Monday, 4th August 2025
પોરબંદર અને રાજકોટ વચ્ચે ૨ નવી ટ્રેન સેવાઓ શરૃ કરવાની મંજૂરી મળી
રેલવે સુવિધામાં થશે નોંધપાત્ર વધારોઃઆ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે

પોરબંદર,તા.૪
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે અનેક નવી યોજનાઓ અને ટ્રેનોની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ભાવનગરથી કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો હકારાત્મક સ્વીકાર થતા લોકોમાં બહોળો આવકાર મળી રહયો છે.
મંજુર થયેલ નવી ટ્રેન સેવાઓ
પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૃ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે.
મંજુર થયેલ નવા સ્ટોપેજ
નવાગઢ સ્ટેશન પર ટ્રેન નંબર ૧૧૪૬૩/૬૪, ૧૧૪૬૫/૬૬, ૧૯૨૫૧/૫૨, અને ૧૯૩૧૯/૨૦ ઊભી રહેશે.
જેતપુર સ્ટેશન પર ટ્રેન નંબર ૧૨૯૪૫/૪૬ અને ૧૯૨૦૩/૦૪ ને સ્ટોપેજ મળશે.
રાણાવાવ સ્ટેશન પર ટ્રેન નંબર ૫૯૫૫૭/૬૦ ને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ખોડિયાર મંદિર સ્ટેશન પર પણ ટ્રેન નંબર ૫૯૫૫૭/૬૦ ઊભી રહેશે.
મંજુર થયેલ નવી રેલવે લાઈનઃ
સરાડીયા અને વાંસજાળિયા વચ્ચે ૧૨૦ વર્ષ જુની માંગ સ્વીકારીને નવી રેલવે લાઈન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS)ને મંજૂરી આપવામાં આવી છે.
મેન્ટેનન્સ સુવિધાઃ
અંદાજિત રૃ.૧૩૫.૬૪ કરોડના ખર્ચે રાણાવાવ સ્ટેશન પર ન્યુ કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે તેની મંજુરી મળેલ છે.
નવો રોડ ઓવરબ્રિજ
પોરબંદર શહેરના ભદ્રકાળી ગેટ નજીક આવેલા લેવલ ક્રોસિંગ નંબર ૩ પર નવા રોડ ઓવરબ્રિજના નિર્માણ માટેની શક્યતાઓ ચકાસવામાં આવી છે અને તેનો જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ (GAD) તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વિકસિત સૌરાષ્ટ્રનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે
નવો અંડરપાસનવાગઢ રેલવે સ્ટેશન પાસે અંડરપાસના નિર્માણ માટે પણ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસિત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૃરી છે. આર્થિક ગતિવિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૃરી છે. રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણીજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે. લોક માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિતલ્લ રાજકોટ, વિકસિત પોરબંદર અને વિકસિત જુનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
