<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

કચ્છ માટે રાહતના સમાચાર: ૨૫૦૦ વિદ્યાસહાયક શિક્ષકોની ભરતીનું મેરીટ લીસ્ટ સરકારે જાહેર કર્યું

બે મહિનાની અંદર નિયુક્તિનું ધ્યેય, જોકે, ૪૦૦૦ થી વધુ જગ્યા ખાલી, હજી અન્ય જિલ્લામાં બદલી માંગનાર શિક્ષકોની સંખ્યા પણ મોટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ :  કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ મુદ્દે સ્થાનિક કક્ષાએ લોકો દ્વારા તેમ જ રાજકીય રીતે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. તાલુકા મથકોએ થઈ અને વિરોધનો સૂર જિલ્લા કક્ષાએ પહોંચ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ શિક્ષકોની મોટી ઘટ મુદ્દે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાની રજૂઆતો થઈ છે. એ વચ્ચે હવે રાજ્ય સરકાર તરફથી કચ્છ જિલ્લા માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ માટે ૨૫૦૦ વિદ્યા સહાયકની ભરતી માટેનું મેરીટ લિસ્ટ બહાર પાડી દેવાયું છે. ગઈકાલે ઓન લાઈન મેરીટ લિસ્ટ જાહેર કરી દેવાતા હવે ભરતી પ્રક્રિયા શરુ થઈ જશે. એટલે બે મહિનાની અંદર કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકો નિમાઈ જશે. જોકે, એ વચ્ચે પણ વાસ્તવિકતા કપરી છે, જિલ્લામાં ૪ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. હજી કચ્છમાંથી અન્ય જિલ્લામાં જિલ્લા ફેર બદલી માટે શિક્ષકોની અરજીઓ પેન્ડિંગ છે. એ જોતા કચ્છમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની પૂરતી સંખ્યા એ પડકારરૂપ કાર્ય લાગી રહ્યું છે.

(9:28 AM IST)