<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

૪૫૬ લાખના ખર્ચે જસદણ-વિંછીયા તાલુકાના ૩૮ ગામોમાં આંગણવાડીના મકાનો બનશે

કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસથી રાજય સરકાર દ્વારા મંજુરીઃ નવી આંગણવાડીઓ બનતા ૦ થી ૬ વર્ષના બાળકોને બેસવાની સુવિધામાં વધારો થશે અને આગળ ઉપર અભ્‍યાસમાં રૂચી કેળવાશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૫: જસદણ-વિંછીયા તાલુકામા નવા આંગણવાડીના મકાનો બનાવવા માટે ૪૫૬ લાખ મંજૂર થતા આ બંન્ને તાલુકાની ધણા વખતથી માંગણી સંતોષવામાં આવી હતી.રાજય અને કેન્‍દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આઈ.સી.ડી.એસ. યોજનાના માધ્‍યમથી ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં ૦ થી ૬ વર્ષના બાળકો, ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટે આરોગ્‍ય, પોષણ અને શૈક્ષણિક સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.

આ યોજનાના ભાગરૂપે જસદણ અને વિંછીયા તાલુકાના ૩૮ ગામોમાં ૪૫૬ લાખના ખર્ચે નવી આંગણવાડીના મકાનો બનાવવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી હતી જે બાબતે સબંધીત વિભાગોનું ધ્‍યાન દોરી આંગણવાડીના નવા મકાનો બનાવવા ધારાસભ્‍ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સક્ષમ કક્ષાએથી માંગણી કરવામાં આવતા સરકારની મહીલા અને બાળ વિકાસ વિભાગ, ૧૫ મા નાણાપંચ અને મનરેગા યોજના સદરે કામોને મંજુરી આપવામાં આવી છે.

આ યોજના થકી બાળકોને પોષણયુકત નાસ્‍તો, ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર, ભાષા, વિકાસ, ગીતો-વાર્તાઓ, બાળકો, ગર્ભવતી અને ધાત્રી માતાઓની નિયમિત આરોગ્‍ય તપાસ, બાળકો માટે પોષણ કીટ સહીતની સુવિધાઓ કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.

આ અંગેની વિગતો જણાવતા ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું કે, જસદણ તાલુકાના વિરનગર, ચીતલીયા, કોઠી, વડોદ, સાણથલી, પાંચવડા, જંગવડ, બળધોઈ, રાણીંગપર, ભાડલા, ગઢડીયા(જામ),  કડુકા, કમળાપુર, પારેવાળા, બરવાળ, મદાવા, ખડવાવડી, નાની લાખાવડ, રાજાવડલા, જામ ગામનો સમાવેશ કરવામાં આવ્‍યો છે જ્‍યારે વિંછીયા તાલુકામાં દેવધરી, પીપરડી,  મોઢુકા, ઓરી, હિંગોળગઢ, ખડકાણા કંધેવાળીયા, જનડા, વિંછીયા, કાંસલોળીયા, સનાળા, ભડલી, પીપરડી તથા ઓરી ગામનો સમાવેશ કરવામાં આવ્‍યો છે આમાનાં અમુક ગામેમાં એકથી વધારે આંગણવાડીના મકાનો બનાવવામાં આવશે.

આંગણવાડીના નવા મકાનોના અંદાજપત્રક બનાવવા સહિતની કાર્યવાહી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જે કામો વહેલી તકે શરૂ કરવા માટે સબંધિત અધિકારીને સૂચનાઓ કરવામાં આવી હોવાનું ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું હતુ.

(11:00 AM IST)