News of Wednesday, 6th August 2025
કચ્છના ત્રગડી ગામે ૪૧ લાખનો દારૂ બિયર ઝડપ્યોઃ કટિંગ વખતે દરોડામાં બુટલેગર નાસી છૂટયા
સવા બે મહિનામાં જ માંડવી વિસ્તારમાં આ ત્રીજો મોટો દરોડો, ૮૩.૭૮ લાખ, ૧.૫૪ કરોડ અને હવે ૪૧.૪૫ લાખનો દારૂ ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ :.. દારૂબંધીનો અમલ ધરાવતા ગાંધીના ગુજરાતમાં દારૂ અને બિયરનું વધતું જતું ચલણ ચિંતાજનક છે. કચ્છના છેવાડાના માંડવી વિસ્તારમાં જ પોલીસે ૨૩ મે થી ૫ ઓગસ્ટના હમણાંના સમયગાળામાં લગભગ ૨ કરોડ ૮૦ લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. પヘમિ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીને આધારે સ્થાનિકે રેઇડ કરતા સ્થળ પરથી રૂપિયા ૧૭,૭૯,૬૦૦ ની કિંમતના ૧૬૩૨ દારૂની બોટલ, રૂપિયા ૨૩,૬૫,૪૪૦ ની કિંમતના ૧૦,૭૫૨ બીયરના ટીન ઝડપી પાડ્યા હતા. સ્થળ ઉપર દારૂની કટીંગ સમયે ઉપયોગમાં લીધેલ ચાર બોલેરો, ટાટા ઇન્ટ્રા, ક્રેટા અને ઈનોવા કાર તેમજ બે બાઈક સહીત કુલ રૂપિયા એક કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે માંડવી મરીન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ કામગીરીની વિગતો મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠીની સુચનાથી ટીમ માંડવી મરીન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, ત્રગડીનો લીસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા, ખાનાયનો જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા તેમજ ત્રગડીના નીલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના સાગરીતો સાથે મળી રાજ્ય બહારથી મંગાવેલો દારૂનો જથ્થો ત્રગડી ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં રાખી તેનું કટિંગ કરી રહ્યા છે.
એલસીબીએ પાડેલી આ રેઇડ દરમિયાન ભાગી ગયેલા આરોપી બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા, ખાનાયનો જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા બંને લિસ્ટેડ બુટલેગરો ઉપરાંત અન્ય આરોપીઓ ત્રગડીના નીલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સહીત ચાર બોલેરો ગાડી, ટાટા ઇન્ટ્રા, ક્રેટા, ઈનોવા અને બે બાઈકના ચાલકો સહીત કુલ ૧૫ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (પ-૬)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
