તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 6th August 2025
જસદણ બોટાદ બંધ પડેલી રેલ સેવા શરૂ કરવા રેલમંત્રીને રજૂઆત
આગામી બજેટમાં જોગવાઈ કરવા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની માંગણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૬: જસદણ વિંછીયા અને બોટાદ આસપાસના ગામડાઓ અને વિસ્તારમાં રહેતા લોકોને ટ્રેનની સુવિધા ન હોવાના કારણે અનેક મુશ્કેલીઓ પડે છે, વર્ષ ૧૯૮૭ એટલે કે ૩૮ વર્ષ પહેલા આ સ્થળે રેલ્વે કાર્યરત હતી જે સુવિધા રેલ્વે દ્વારા વર્ષો પહેલા રદ કરી છે પરંતુ આજે પણ રેલ્વેનું ઈન્ફ્રાસ્ટ્રકચરનું અસ્તિત્વ છે, જમીન રેલ્વે હસ્તક છે, જેથી જમીન સંપાદનનો પ્રશ્ન રહેતો નથી અને માત્ર બ્રોડગેજ રેલ લાઈન નાખવાથી સામાજીક અને આર્થિક પછાત તાલુકાને રેલ્વેની સુવિધાઓ મળી શકે તેમ છે જયાંથી બોટાદ-સુરેન્દ્રનગર- વિરમગામ- અમદાવાદ- વડોદરા -સુરત-મુંબઈની રેલ સુવિધા મળશે અને રેલ્વેને ગુડઝ સહીતના આર્થિક લાભ થઈ શકશે. જસદણ અને વિંછીયા એક આર્થિક, કળષિ અને ઔધોગિક કેન્દ્ર છે જયાં રેલ સુવિધાની આવશ્યક અને મુળભૂત જરૂરીયાત છે. જુની મીટરગેજ લાઈનને બ્રોડગેજ રેલ લાઈનમાં રૂપાંતર કરવા માટે સને.૨૦૨૫-૨૬ ના રેલ બજેટમાં જોગવાઈ થાય તેવી જરૂરી કાર્યવાહી માટે જનસમુદાયની માંગ છે.
જસદણ, બોટાદ અને આસપાસના વિસ્તારો કળષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જસદણ થ્રેશર,ઓપનર, મશીનની મુખ્ય ઉત્પદન કેન્દ્ર છે અને દર વરસે ૨૭૦૦ ટન આ ઓપનર મશીન જસદણની કળષિ હેતુ ભારતના વિવિધ રાજયોમાં સપ્લાય કરવામાં આવે છે, મંદિરની પુજા આરતી મશીન અંદાજે ૬૦૦૦ હજાર ટન તેમજ હેન્ડીક્રાફટ ઉધોગ દ્વારા દેશ-વિદેશમાં વિવિધ વસ્તુઓની સપ્લાય કરવામાં આવે છે. હીરાના ઉદ્યોગ માટે વિકાસશીલ કેન્દ્ર છે હીરા તૈયાર કરી દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. જસદણ અને વિંછીયા ખાતે ૩૦૦ થી ૪૦૦ કી.મી.ના અંતરે લોખંડ, સીમેન્ટ, માર્બલ,ગ્રેનાઈટનો જથ્થો ડંમ્પિંગ થાય છે જે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા લાવવા-લઈ જવામાં આવે છે. આસપાસના ગામડાઓ અને વિસ્તારો મુખ્યત્વે કપાસ ઉત્પાદકો છે. આ વિસ્તારમાં જીનિંગ પ્રોસેસ ફેક્ટરીઓ સક્રિય છે જે દેશના દરેક ભાગમાં કપાસ પહોંચાડે છે. કપાસનો પુરવઠો અને નિકાલ વાર્ષિક ૧ કરોડ કિલોગ્રામથી વધુ માત્રામાં થાય છે.
જસદણ અને વિંછીયા ખાતે સ્થિત માર્કેટિંગ યાર્ડીઓનો ઉપયોગ ખરીદી અને વેચાણ કેન્દ્રો દ્વારા માર્ગ પરિવહન દ્વારા કળષિ પેદાશોના પરિવહન માટે થાય છે. જસદણ અને વિંછીયાની આસપાસના ગામડાઓમાં કળષિ મુખ્ય આર્થિક પ્રવળત્તિ છે, જેના કારણે ખાતરની મોટી જરૂરિયાત માર્ગ દ્વારા પૂર્ણ થાય છે. મગફળી અને કપાસના બીજમાંથી મોટી માત્રામાં ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. દર વર્ષે ભારતના દરેક રાજ્યમાં ૨૧ ટન ખાદ્ય તેલનું માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવે છે. તમામ માલ માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવે છે. રેલ કરતાં રોડ ટ્રાન્સપોર્ટ વધુ ખર્ચાળ છે, તેથી તાલુકાના લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે અહીં પહેલાની જેમ રેલ સુવિધા પૂરી પાડવામાં આવે. જસદણ-વિંછીયા,બોટાદ વચ્ચેની જૂની મીટરગેજ રેલ લાઇનને બ્રોડગેજ રેલ લાઇનમાં રૂપાંતરિત કરવા માટે આગામી બજેટમાં જોગવાઈ કરવા રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કેન્દ્રીય રેલમંત્રી, કેન્દ્રીય રાજ્ય રેલમંત્રી અને જનરલ મેનેજર(પ.રે.), મુંબઈને યોગ્ય કાર્યવાહી થવા પત્ર પાઠવ્યો છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
