News of Wednesday, 6th August 2025
ગોંડલમાં કાચા માર્ગનો વિવાદઃ આમ આદમી પાર્ટી અને ખેડૂતોનો પાલિકા સામે વિરોધ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૬: ગોંડલમાં બાલાશ્રમથી આશાપુરા નર્સરી સુધીના કાચા અને બિસ્માર માર્ગને લઈને આમ આદમી પાર્ટી અને સ્થાનિક ખેડૂતોએ નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોને તેમના ખેતર સુધી પહોંચવામાં પડતી પારાવાર મુશ્કેલીઓ મુદ્દે આપ ના નેતળત્વમાં સિવિલ હોસ્પિટલથી નગરપાલિકા સુધી બેનરો સાથે રેલી યોજીને રજૂઆત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ અને ખેડૂતો ‘ખેડૂત માંગે ખેતરે જવાનો માર્ગ' જેવા સૂત્રો લખેલા બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શિત કરી કચેરીએ પહોંચ્યા હતા. આヘર્યજનક રીતે, રજૂઆત કરનારાઓની સંખ્યા કરતાં પોલીસ બંદોબસ્ત બમણો જોવા મળ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ‘જય જવાન, જય કિસાનના નારા લગાવતા દેશમાં આજે કિસાનોની હાલત શું છે? આશાપુરા ડેમ પાછળ ૧૫ થી ૨૦ ખેડૂતોની જમીન આવેલી છે, પરંતુ ત્યાં જવા માટે કોઈ રસ્તો જ નથી.' તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘નગરપાલિકાના નકશામાં બાલાશ્રમથી સરકારી નર્સરી સુધીનો ૧૮ મીટરનો અધિકળત રસ્તો દર્શાવેલો છે. વર્ષોથી લોકો ત્યાંથી અવરજવર કરતા હતા, પરંતુ અચાનક ત્યાં ૪૦ ફૂટનો ઊંડો ખાડો કયાંથી આવી ગયો? આશાપુરા પુલ પર પણ શેવાળ જામી ગયો છે, જેના કારણે રોજના ૧૦ - ૧૫ લોકો લપસીને પડે છે. અમે ફેક્ચર થયેલા એક ભાઈને પણ સાથે લાવ્યા હતા.'
નિમિષાબેનના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા ૮ - ૯ મહિનાથી ગોંડલ નગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્યને લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે. દર અઠવાડિયે ફોન કરીને કામગીરી વિશે પૂછવામાં આવે છે, પરંતુ ‘તમારું કામ થઈ જશે,' ‘આવતા સોમવારે થઈ જશે,' જેવા માત્ર પોકળ વચનો જ મળે છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, ‘જો આ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો હું નગરપાલિકામાં જ ભૂખ-તરસ્યા બેસીને આંદોલન કરીશ.'
આ મામલે ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતો દ્વારા રજૂઆત કરવી એ તેમનો અધિકાર છે અને તેમની વાત સાંભળીને વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.'
જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, આ રસ્તાનું આયોજન એક મોટો અને ખર્ચાળ પ્રોજેક્ટ છે. તેના માટે ઠરાવ પસાર કરી, ટેન્ડર બહાર પાડીને નિયમ મુજબ પ્રક્રિયા કરવી પડે છે. તેમણે એ પણ ઉમેર્યું કે, ડેમ વિસ્તાર સરકારી નિયમ મુજબ પ્રતિબંધિત ક્ષેત્ર હોય છે. પાણીનાસ્ત્રોત પાસે લોકોની અવરજવર પર સુરક્ષાના કારણોસર પ્રતિબંધ હોય છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. અગાઉ પણ ત્યાં બોર્ડ મારેલા હતા અને અવરજવર રોકવા જાપા મુકાયા હતા.
હાલ, ખેડૂતો અને આમ આદમી પાર્ટી તાત્કાલિક રસ્તો બનાવવા માટે અડગ છે, જ્યારે નગરપાલિકા તંત્ર પ્રક્રિયા અને નિયમોને આગળ ધરી રહ્યું છે, ત્યારે આ વિવાદ કયારે ઉકેલાશે તે જોવું રહ્યું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
