<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂકંપનો આંચકો : ધોળાવીરા નજીક મોડી સાંજે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

પૂર્વ કચ્છના ધોળાવીરાથી ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાન સરહદ નજીક ધરતી ધણધણી : સિસ્મોલોજી કચેરી દ્વારા જાણકારી અપાઈ, જોકે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી

વિનોદ ગાલા દ્વારા, ભુજ : કચ્છના સરહદી વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. આજે રાત્રે ૮.૧૩ કલાકે પૂર્વ કચ્છના ધોળાવીરાથી ઉત્તર-પશ્ચિમ દિશામાં પાકિસ્તાન સરહદ નજીક ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.
આ આંચકો હળવા કંપનનો હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, પૂર્વ કચ્છમાં ધોળાવીરા અને પશ્ચિમ કચ્છમાં ખાવડા એમ બંને સ્થળોએ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ નજીક સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે આ વિસ્તારમાં ભૂકંપની ફોલ્ટ લાઈનોમાં સતત હિલચાલ અને સળવળાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમયાંતરે આવા હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે.

 

(10:16 PM IST)