<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

સુરેન્‍દ્રનગર શહેરના મુખ્‍ય રસ્‍તા પર પેવર બ્‍લોક નાંખ્‍યા !

વઢવાણ, તા. ૦૭ : સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા વિસ્‍તારમાં મુખ્‍ય રસ્‍તાઓ પર વરસાદી પાણી ભરાવાની સમસ્‍યા વિકટ બની છે. સામાન્‍ય વરસાદમાં પણ રસ્‍તાઓ પર પાણી ભરાઈ જાય છે. અને કલાકો સુધી ઓસરતા નથી. ત્‍યારે શહેરના રતનપરમાં આવેલ દત્તાત્રેય મંદિરથી ૩૪ નંબર તરફ જવાના મુખ્‍ય રસ્‍તે કાયમ વરસાદી પાણી ભરાય છે. જેના લીધે ડામર રોડ તુટી જતા હતા. અને મસમોટા ખાડા પડી જતા હતા. ત્‍યારે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી કરવાના બદલે આ સ્‍થળે પેવર બ્‍લોક નાંખવાનું કામ હાથ ધર્યુ છે. આ પેપર બ્‍લોકના કામમાં પણ ૨ બ્‍લોક વચ્‍ચે પુરતુ મટીરિયલ ભરવામાં આવ્‍યુ નથી. જયારે આ પેવર બ્‍લોકની નીચે પીસીસી કરી તેને પાણી પણ પીવડાવ્‍યા વગર બીજા જ દિવસે બ્‍લોક પાથરી દેવાયા છે. બીજી તરફ આ રસ્‍તેથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે. જેમાં ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્‍પરોનો પણ સમાવેશ થાય છે. ત્‍યારે મુખ્‍યત્‍વે સોસાયટી, ગલીઓમાં, મંદિરોના પરિસરમાં, ફુટપાથ પર નાંખવામાં આવતા પેવર બ્‍લોક મુખ્‍ય રસ્‍તા પર નાંખવામાં આવતા તેનું આયુષ્‍ય કેટલુ.? તે પણ એક સળગતો સવાલ છે. તેમાંય રોડ પરથી ભારે વાહનો પસાર થતા આ પેવર બ્‍લોક તુટીને ભુક્કો થઈ જાય તેવુ જાણકારોનું માનવુ છે.  

(11:28 AM IST)