તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Friday, 8th August 2025
જુનાગઢમાં પવિત્ર રક્ષાબંધનના પર્વે વાલ્મિકી સમાજની બહેન દ્વારા ડીવાયએસપી હિતેષ ધાંધલિયાને રાખડી બાંધી ભાઈરૂપે આશીર્વાદ આપ્યા
પોતાના સગા ભાઈ દ્વારા થતા અન્યાય અંગે રજૂઆત કરતા ડીવાયએસપીએ નાથીબહેનના ભાઈ તથા તેમના પરિવારજનોને બોલાવી બંને પક્ષ વચ્ચે સહાનુભૂતિપૂર્વક સમજૂતી કરાવતાં એક સુંદર સંવાદ અને સમાધાન સર્જાયુ'તુ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ, તા.૦૮ : રક્ષાબંધનના પવિત્ર તહેવારને એક દિવસ બાકી હોય ત્યારે, વાલ્મિકી સમાજની નાથીબેન વાઘેલાએ પોતાની મિલકત તથા નાણાં સંબંધિત કુટુંબમાં ચાલી રહેલા વિવાદ અંગે જુનાગઢ શહેરના ડીવાયએસપી શ્રી હિતેષ ધાંધલિયાનો સંપર્ક કર્યો હતો.
નાથીબેન વાઘેલાએ પોતા ના સગા ભાઈ દ્વારા થતા અન્યાય અંગે શ્રદ્ધાપૂર્વક રજૂઆત કરી હતી. ડીવાયએસપી ધાંધલિયાએ વાતને ગંભીરતાપૂર્વક સાંભળી, તાત્કાલિક નાથીબહેનના ભાઈ તથા તેમના પરિવારજનોને બોલાવી બંને પક્ષ વચ્ચે સહાનુભૂતિપૂર્વક સમજૂતી કરાવતાં, એક સુંદર સંવાદ અને સમાધાન સર્જાયું.
રક્ષાબંધનના આ પવિત્ર અવસરે, નાથીબહેન વાઘેલાએ પોતાના ભાઈને રાખડી બાંધી અને પરિવારજ સંગઠન તથા ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડી દીધું. ખાસ કરીને, આ પ્રસંગે નાથીબહેનએ ડીવાયએસપી હિતેષ ધાંધલિયાને પણ ભાઈરૂપે રાખડી બાંધી, પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા:
“મારા બંને ભાઈઓ હંમેશા સુખમય રહે, આરોગ્યમય રહે અને પરમ વૈભવના શિખરો સર કરે. મા ખોડલના આશીર્વાદ સદા તેમને પ્રાપ્ત રહે.”
આ પ્રસંગે વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા તથા મવડી મંડળના અધ્યક્ષ સી .ડી . પરમાર ની ખાસ હાજરી રહી. બંને આગેવાનો આ પ્રસંગે નાથીબેન ની રજૂઆત અને પોલીસ તંત્રના સહકારભર્યા વલણને નોંધ્યું અને સમાજમાં શાંતિપૂર્ણ સમાધાન અને ભાઈચારાને વધાવતી આવી પહેલને આવકારી.
આ હૃદયસ્પર્શી પ્રસંગે વાલ્મિકી સમાજના ભાવનાત્મક બંધન તથા પોલીસ તંત્રના માનવિય અભિગમની જીવંત ઝલક જોવા મળી.આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ!.(તસ્વીર: મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
