તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
પાટણવાવ મેળાની હરરાજીમાં લાખોની છેતરપીડીંનો આક્ષેપ
રાજકોટના વેપારી રાજેશગીરી ગોસ્વામીએ જીલ્લા પોલીસ વડાને કરી લેખીત ફરિયાદ

રાજકોટઃ ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે યોજાયેલા મેળાની હરાજી અને વ્યવસ્થાપનમાં મોટી છેતરપિડી થઈ હોવાનો આક્ષેપ રાજકોટના વેપારીએ કર્યો છે. વેપારી રાજેશકુમાર ગોસ્વામીએ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી, જેમાં તેમણે જણાવ્યું છે કે મેળાના ભાગીદારીમાં વિશ્વાસઘાત થયો છે. કુલ રૂા.૧૮,૪૦,૦૦૦/-ની રકમની હરાજી અને રાઈડ્સ માટે ચૂકવેલા રૂા. ૯,૦૦,૦૦૦/- સહિત મોટી રકમની ઉચાપત થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વેપારીએ પૂર્વ અને વર્તમાન સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો સામે પણ આક્ષેપ કર્યા છે.
રાજકોટના વેપારી રાજેશકુમાર ઈશ્વરગીરી ગોસ્વામીએ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ પાટણવાવ મેળાની હરાજી અને વ્યવસ્થાપનમાં થયેલી છેતરપિડી અને વિશ્વાસઘાત અંગેની વિસ્તૃત ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં પાટણવાવના રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ખટાણા, પૂર્વ સરપંચ પ્રવિણભાઈ ઉર્ફે બાબુભાઈ પેથાણી, વર્તમાન સરપંચ કાનજીભાઈ સાવલીયા અને પાટણવાવ ગ્રામ પંચાયતના તમામ કારોબારી સભ્યો સહિતના વિરુદ્ધ આક્ષેપ કર્યા છે.
ફરિયાદી રાજેશકુમાર ગોસ્વામીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના મેળા માટે તા. ૧૩/૦૮/૨૦૨૪ ના રોજ હરાજી થઈ હતી. આ હરાજીમાં તેઓ અને રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ખટાણાએ સાથે મળીને મૌખિક ભાગીદારી કરી હતી અને ગ્રાઉન્ડ રૂા.૧૮,૪૦,૦૦૦/- માં લેવાનું નક્કી કર્યું હતું. આ રકમ રાજેશકુમારે ચૂકવી હતી, જે અંગે કોલ રેકોર્ડિગ પણ હોવાનો તેમણે દાવો કર્યો છે. આ મેળામાં થનાર વ્યાપારમાં ૫૦%ભાગીદારી પણ નક્કી થઈ હતી, જેના સાક્ષી તરીકે પાટણવાવ ગામના મહિપતપરી બાપુ હાજર હતા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, તેમણે મેળામાં રાઈડ્સ રાખવા માટે મુન્નાભાઈને રોકડા રૂા. ૯,૦૦,૦૦૦/- આપ્યા હતા. જોકે, સરકારી નિયમો (એસ.ઓ.પી.) ના કારણે રાઈડ્સ શરૂ થઈ શકી નહોતી. આ રાઈડ્સનો ભાગ મુન્નાભાઈએ મંડપ કોન્ટ્રાક્ટરને રૂા. ૪,૫૦,૦૦૦/- માં વેચ્યો હતો, અને તે રકમ પણ પોતાની પાસે રાખી લીધી હતી. આ ઉપરાંત, મેળાના સ્ટોલ, પાર્કિગ અને પાથરણાવાળા પાસેથી કુલ રૂા.૧૯,૦૦,૦૦૦/- ની આવક થઈ હતી, જે પણ મુન્નાભાઈએ પોતાની પાસે રાખી લીધી હતી અને રાજેશકુમારને તેમનો ભાગ આપ્યો નહોતો.
ફરિયાદ મુજબ, રાઈડ્સ શરૂ ન થતા ગ્રામ પંચાયતમાં જમા થયેલી ડિપોઝિટના રૂા.૯,૦૦,૦૦૦/- પરત મેળવવા માટે રાજેશકુમારે ડી.ડી.ઓ. સમક્ષ અપીલ કરી હતી. ડી.ડી.ઓ.શ્રીએ તા. ૩૧/૦૫/૨૦૨૫ના રોજ આ રકમ પરત કરવાનો આદેશ પણ કર્યો હતો. છતાં, ગ્રામ પંચાયતના પૂર્વ અને વર્તમાન સરપંચો તેમજ સભ્યોએ ભેગા મળીને આ રકમ પરત ન આપી અને ખોટું સોગંદનામું ઊભું કરી રકમ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ રાજેશકુમારે લગાવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે જ્યારે તેમણે પોતાના ભાગની રકમ માંગી, ત્યારે આરોપીઓએ તેમને ધમકી આપી કે, ‘‘ગામ મારું છે, તને પગ મૂકવા દઈશ નહીં અને અહીં આવીશ તો જાનથી મારી નાખીશ.'' રાજુભાઈ ગોસ્વામીએ આ તમામ વાતચીતના કોલ રેકોર્ડિગ્સ, ડી.ડી.ઓ.ના આદેશની નકલ, અને અન્ય સંબંધિત દસ્તાવેજો પેન ડ્રાઈવમાં પૂરાવા તરીકે પોલીસને સુપરત કર્યા હોવાનું પણ જણાવ્યું છે.
રાજેશકુમારે પોલીસ અધિક્ષકને નમ્ર અરજ કરી છે કે આ ફરિયાદની તપાસ પાટણવાવ પોલીસ સ્ટેશન સિવાય અન્ય પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે અને તેમને તાત્કાલિક ન્યાય મળે. આ મુદ્દો હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે.(૩૮.૩)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
