તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન
રક્ષાબંધન : પ્રેમ અને રક્ષાનું પવિત્ર બંધન

શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સુખ, સમૃદ્ધિ અને સર્વ પ્રકારના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. આ રાખડી કેવળ એક દોરો નથી, પરંતુ ભાઈ પ્રત્યેના સ્નેહ, આશીર્વાદ અને શુભ ભાવનાઓનું કવચ છે. બહેન એવી આશા રાખે છે કે તેનો ભાઈ માત્ર બાહ્ય શત્રુઓ જ નહીં, પણ અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ જેવા શત્રુઓ પર પણ વિજય મેળવે.
પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક પ્રસંગો
રક્ષાબંધનનું મહત્વ પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં પણ જોવા મળે છે. મહાભારતમાં, કુંતામાતાએ અભિમન્યુને કૌરવો સામે યુદ્ધમાં જતા પહેલા રાખડી બાંધી હતી. રાણી કર્ણાવતીએ બહાદુરશાહના આક્રમણથી ચિત્તોડનું રક્ષણ કરવા માટે દિલ્હીના સુલતાન હુમાયુને રાખડી મોકલી હતી, જેનાથી હુમાયુએ ચિત્તોડની રક્ષા કરી હતી.
એક અન્ય કથા અનુસાર, જ્યારે બલિરાજાના વરદાનને કારણે ભગવાન વિષ્ણુ પાતાળમાં રોકાયા, ત્યારે દેવી લક્ષ્મીએ શ્રાવણ પૂનમના દિવસે બલિરાજાને રાખડી બાંધી તેમને પોતાના વરદાનથી મુક્ત કરી વૈકુંઠ પાછા ફરવાની વિનંતી કરી હતી. ભાઈની જેમ રાખડી બંધાવ્યા બાદ બલિએ લક્ષ્મીજીની ઈચ્છા પૂર્ણ કરી. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી પર પાટો બાંધ્યો હતો, જેના બદલામાં ભગવાને વષાહરણ વખતે તેમની લાજ બચાવી હતી. આ પ્રસંગો દર્શાવે છે કે રાખડીનું બંધન રક્ષણનું પ્રતીક છે અને આ બંધન ફક્ત સગા ભાઈ-બહેન પૂરતું મર્યાદિત નથી.
રક્ષાબંધન : અન્ય નામો અને આધ્યાત્મિક અર્થ : રક્ષાબંધનને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સમુદ્રખેડૂઓ દરિયાદેવને નાળિયેર અર્પણ કરી તેમની યાત્રા સફળ થાય અને સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરે છે. આ દિવસે સંત સમાજમાં જનોઈ બદલવાનો પણ રિવાજ છે.
આ તહેવારનો આધ્યાત્મિક અર્થ મનથી પવિત્ર બનવાનો છે. બહેન ભાઈના કપાળ પર તિલક કરે છે, જેનો અર્થ છે કે મગજમાં સારા વિચારો આવે અને ભાઈ સદાચારી બને. મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવાનો અર્થ મધુર વાણી બોલવાનો અને દ્વેષભાવ દૂર કરવાનો છે.
રક્ષાબંધનસ્ત્રીઓના સન્માન અને રક્ષાનું પર્વ છે. દરેક પુરુષનું કર્તવ્ય છે કે તે દરેક ષીને પોતાની બહેન માની તેનું સન્માન અને રક્ષણ કરે. આ રીતે રક્ષાબંધનનો તહેવાર કુટુંબ, જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને સમગ્ર વિશ્વના કલ્યાણ અને ષીઓના સન્માનનો સંદેશ આપે છે. આ દિવસે બલરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો.
:: સંકલન ::
મુકુંદ બદીયાણી
જામનગર.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
